- લાયબ્રેરીની સ્થાપના સન 1886માં થઈ હતી
- રોમન અને ગૌચિક શૈલીમાં થયું છે લાયબ્રેરીનું બાંધકામ
- હાલ જર્જરિત હાલતમાં છે ઇમારત
પોરબંદર: શહેરમાં આવેલી ઐતિહાસિક ઇમારત સ્ટેટ લાયબ્રેરી હાલ જર્જરિત હાલતમાં છે. રોમન અને ગૌચિક શૈલીમાં આ ઇમારતનું બાંધકામ કરવામાં આવ્યું હતું. પોરબંદરની સ્ટેટ લાયબ્રેરીનું સમારકામ અને વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માગ સાથે પોરબંદરની કન્ઝર્વેટિવ સંસ્થા દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે.
ધરોહર સમાન ઈમારતની યોગ્ય મરામત અને જાળવણી કરવી આવશ્યક
પોરબંદરની કન્ઝર્વેટિવ સંસ્થાના હોદ્દેદારોએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે, શહેરમાં બંદર રોડ પર સ્ટેટ લાયબ્રેરી નામે ઓળખાતી દેસાઈ નાનજી ગોકુલજી અને શેઠ ઝવેરશાહ હરજીવન સાર્વજનિક ગ્રંથાલય આવેલી છે. આ લાયબ્રેરીની સ્થાપના સને 1886માં થઇ હતી.
બિલ્ડિંગનું નિર્માણ રોમન અને ગૌચિક શૈલીમાં
આ લાયબ્રેરી ઐતિહાસિક અને હેરિટેજ કક્ષાનું બિલ્ડિંગ ધરાવે છે. આ બિલ્ડિંગનું નિર્માણ રોમન શૈલીમાં થયું છે. આ બિલ્ડિંગમાં હાલ મરામત અને રિપેરિંગ કરવાની જરૂર છે. આ ઐતિહાસિક મકાન જર્જરિત હાલતમાં છે.
ફેરફારો કરવામાં આવી રહ્યા છે, જે હજૂ અપૂરતા
આ લાયબ્રેરીની ઉપર ટાઉન હોલ વાળો વિભાગ આવે છે. જે બંધ અને બીન-વપરાશી થઇ ગયો છે. આ ઐતિહાસિક ઈમારતની બાજૂમાં પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો છે. જેના કમ્પાઉન્ડમાં આંગણવાડી બનાવવામાં આવી છે. જે આ ઈમારતની ગરિમાને ઝાંખપ આપે છે. આ લાયબ્રેરીના સંચાલકો દ્વારા આંતરિક ફર્નિચર સહિતના ફેરફારો કરવામાં આવી રહ્યા છે, જે હજૂ અપૂરતા છે.
ઇમારતના ઉપરના વિભાગનો અમૂક ભાગ જર્જરિત
આ લાયબ્રેરીનો અનેક વિદ્યાર્થીઓ રેગ્યુલર ઉપયોગ કરી લાભ લઈ રહ્યા છે. અનેક વડીલો પણ આ જગ્યાનો ઉપયોગ કરે છે. ગત સપ્ટેમ્બર માસમાં તુટી ગયેલો ગેટ રિપેર કરવા રજૂઆતો કરવામાં આવી છે. હાલ આ ભવ્યાતીભવ્ય ઈમારતનું યોગ્ય સમારકામ અને જાળવણી કરવી અતિ આવશ્યક છે.
ટાવર ક્લોક બંધ હાલતમાં
લાયબ્રેરીના ઉપરના વિભાગનો અમૂક ભાગ જર્જરિત થઈ ગયો છે. ટાવર ક્લોક બંધ હાલતમાં છે, લાયબ્રેરી વિભાગ પણ અનેક સુધારા-વધારા અને સમારકામની જરૂર છે. કમ્પાઉન્ડ અને કમ્પાઉન્ડ વોલની સુવિધા પણ અનિવાર્ય છે. જેથી શહેર અને શહેરીજનોના લાભાર્થે આ લાયબ્રેરીમાં અંગત રસ દાખવી યોગ્ય સમારકામ કરી સુવિધાઓ પ્રદાન કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.