પોરબંદ: કોરોના વાઈરસના સંક્રમણને પોરબંદર જિલ્લામાં વધુ ફેલાતો અટકાવવા માટે જિલ્લા તંત્ર ગંભીરતાથી કામ કરી રહ્યુ છે. સરકાર દ્વારા 3મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લોકોને મળી રહે તે સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યુ છે.
પોરબંદર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ દ્વારા સરકાર તરફથી જાહેર થયા મુજબ અનાજ કઠોળની માર્કેટ યાર્ડ દ્વારા વેચાણ પ્રક્રિયા તથા ગામદીઠ યાદી વેબસાઇટ https://collectorporbandar.gujarat.gov.in પર અપલોડ કરવામા આવી છે.
કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા 20 એપ્રિલથી ઉધોગો શરૂ કરવા અંગે વિસ્તૃત ગાઇડ લાઈન જાહેર કરવામાં આવી છે. આ અનુસંધાને ગુજરાત રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા કેન્દ્રીય ગૃહ વિભાગની ગાઇડ લાઈનના ચુસ્ત પાલન કરવાની સહમતિ મેળવીને ઉધોગ ગૃહોને ચાલુ કરવા માટે પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જુદી જુદી કેટેગરીના 142 યુનિટને પરવાનગી અપાઈ છે. આ અંગેની યાદી નં 1/2 વેબસાઇટ https://collectorporbandar.gujarat.gov.in પર અપલોડ કરવામા આવી છે.
હાલ સુધીમાં શંકાસ્પદ વ્યક્તિઓનાં લેવામાં આવેલ 217 સેમ્પલ નેગેટીવ આવ્યા છે. પોરબંદર જિલ્લામાં 3 કોરોના પોઝિટિવ કેસ હતા. તેઓ સારવાર દરમિયાન સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. હાલ પોરબંદર જિલ્લામાં હાલ એક પણ કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ નથી.
જિલ્લા ક્વોરેન્ટાઈન ખાતે કૂલ 452 વ્યક્તિ પૈકી 404 વ્યક્તિઓને રજા આપી દેવામાં આવી છે. હાલ 48 વ્યક્તિઓ સારવાર હેઠળ છે. હોમ ક્વોરેન્ટાઈનમાં કુલ 1344 વ્યક્તિઓ ચકાસણી હેઠળ રખાયા હતા. જેમાંથી પૈકી 1004 વ્યક્તિઓનો હોમ ક્વોરેન્ટાઈન સમયગાળો પૂર્ણ થઈ હયો છે.
પોરબંદરના જુદા જુદા એન્ટ્રી પોઈન્ટ પર કુલ 30,946 વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરાયું છે. જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે કરવા જુદી જુદી ટીમ કાર્યરત છે. આ ટીમે 6.21 લાખથી વધુ વ્યક્તિઓનો ઘરે ઘરે જઈને સર્વે કર્યો છે. જ્યારે બીજા રાઉન્ડમાં 4.48 લાખથી વધુ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે.
નોવેલ કોરોના વાઈરસના સંદર્ભમાં સારવાર માટેની ક્ષમતા ધરાવતા આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. હાલમાં સિવિલ હોસ્પિટલ અને મોરારજી ખેરાજ ઠકરાર ઓર્થોપેડીક હોસ્પિટલ પર આઈસોલેશન વોર્ડ બનાવાયા છે.