થોડા દિવસો અગાઉ પાકિસ્તાનમાં કેદ 360 જેટલા માછીમારોને પાકિસ્તાન સરકારે 4 તબક્કામાં મુક્ત કર્યા હતા.પરંતુ બુધવારે વહેલી સવારે ફરી પાકિસ્તાને નાપાક હરકત કરી છે. બુધવારે 4 બોટ અને 22 માછીમારોનું અપહરણ પાકિસ્તાને કર્યું છે. જોકે 2 દિવસ પહેલા 6 બોટ અને 30 માછીમારોનું અપહરણ પાકિસ્તાને કર્યું હતું આથી 2 દિવસમાં કુલ 10 બોટ અને 52 માછીમારોનું અપહરણ પાકિસ્તાને કરતા માછીમારોમાં રોષ ભભૂક્યો છે.
પાકિસ્તાને ભારતીય જળ સીમા પરથી ગત તારીખ 06-05-2019ના રોજ 6 બોટ અને 30 માછીમારોનું ફરી અપહરણ કર્યું હતું. ત્યારે તમામ બોટ પોરબંદરની હતી અને ફરી આજે તારીખ 08-05-2019 ના રોજ વહેલી સવારે 4 બોટ અને 22 માછીમારોનું અપહરણ પાકિસ્તાને કર્યું હોવાનું ખારવા સમાજના આગેવાન મનીષ લોઢારીએ જણાવ્યું હતું. જેમાં 4 બોટ પોરબંદરની અને પકડાયેલા માછીમારો ગુજરાતના હોવાનું જણાવ્યું હતું. તો પાકિસ્તાન દ્વારા અપહરણનો સિલસિલો યથાવત રહેતા માછીમાર સમાજમાં પણ રોષ ભભૂક્યો છે.