પોરબંદર : જિલ્લામાં વરસાદે ભારે તારાજી સર્જી છે, ત્યારે પોરબંદરના ઘેડ અને બરડા પંથકમાં પણ વરસાદી પાણીના કારણે નદીની આસપાસના ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા છે. જેમાં ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે અનેક રસ્તાઓ પણ બિસ્માર બની ગયા છે. જેને લઇને પોરબંદરના સાંસદ રમેશ ધડુકે કુતિયાણાના ઘેડ વિસ્તારના માલ, પસવારી કોટડા અમર બલોચ સહિત 18 જેટલા ગામોની મુલાકાત લીધી હતી. તેમજ ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા હતા.
રમેશ ધડુકે જણાવ્યું હતું કે, આગામી દસ દિવસમાં ખેડૂતોના નુકસાની અંગે સર્વે કરવામાં આવશે અને ખેડૂતોને જે નુકસાન થયું છે તેઓને તાત્કાલિક વળતર મળી રહે તેવા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આગામી દિવસોમાં મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા આવી જાહેરાત પણ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.