પોરબંદર: રાજ્યના અંતરિયાળ વિસ્તારો, શહેરી, ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પોતાના ઘર નજીક જ આરોગ્ય સેવા મળી રહે તે માટે ધન્વંતરી રથની શરૂઆત કરવામાં આવી છે. ધન્વંતરી રથ એક પ્રકારનું હરતું ફરતું દવાખાનું છે. આ રથમાં કાર્યરત ડોકટર અને તેમની ટીમ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં ઘરે ઘરે જઇને લોકોની વિનામૂલ્યે આરોગ્યની તપાસણી કરી દવાનું વિતરણ કરવામાં આવે છે.
અન્ય જિલ્લાઓની જેમ પોરબંદર જિલ્લામાં કાર્યરત ધન્વંતરી રથનો લોકો ઘર બેઠા જ લાભ લઇને મેડીકલ ઓફીસર પાસેથી જરૂરી માર્ગદર્શન તથા દવાઓ મેળવી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં 14 ઘન્વંતરી રથ કાર્યરત છે. નેસ તથા ઘેડ વિસ્તારના ગામડાઓ તથા રાણાવાવ, કુતિયાણા, પોરબંદર, છાયા શહેરમાં આરોગ્ય સ્ટાફ લોકોના ઘરે ઘરે જઇને વિનામૂલ્યે આરોગ્યની તપાસણી કરવાની સાથે કોવિડ-19નું સંક્રમણ વધુ ફેલતું અટકાવવા માટે જરૂરી તકેદારીનું માર્ગદર્શન આપે છે. તેમજ રોગપ્રતિકારક શક્તિ માટેની દવાનું વિતરણ પણ કરવામાં આવે છે.
પોરબંદર શહેરનાં રાવલીયા પ્લોટમાં રહેતા કરીયાણાની દુકાન ધરાવતા ભાવનાબેન લાખાણીએ કહ્યુ કે, ધન્વંતરી રથ મારા ઘર આંગણે આવતા મારૂ અને આખા વિસ્તારનાં રહેવાસીઓનું મેડિકલ ઓફિસરે આરોગ્ય તપાસણી કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની દવા પણ વિનામૂલ્યે આપી હતી. જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા આ રથનો જિલ્લાવાસીઓ વધુને વધુ લાભ લે તથા પોતાની અને પરિવારની આરોગ્ય તપાસણી કરે તે જરૂરી છે. જેથી કોરોનાના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય.