પોરબંદર : ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલી પાક નુકસાનીનું વળતર તેમજ પાકવીમો આપવા માટે ધારાસભ્ય કાંધલ જાડેજાએ મુખ્ય પ્રધાનને રજૂઆત કરી હતી. પશુઓ માટે ઘાસચારાની પણ વ્યવસ્થા કરવી જરૂરી છે, તેમ જણાવ્યું હતું.
તાજેતરમાં વરસેલા ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર આવવાને લીધે રાણાવાવ કુતિયાણા પંથકના ખેડૂતોનો મહામુલો પાક નાશ પામ્યો છે અને પશુઓને ખવડાવવા માટે ઘાસચારાની પણ અછત સર્જાઈ છે. ત્યારે ખેડૂતોને પાક નુકસાનીનું વળતર તેમજ પશુપાલકોને ઘાસચારો આપવાની માગ ધારાસભ્ય કાંધલ જાડેજાએ કરી છે.
કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લેખિત પત્ર પાઠવી રજૂઆત કરી છે. જેમાં તેમને જણાવ્યું છે કે, હાલમાં અતિભારે વરસાદ તથા ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને કારણે ભાદર, ઓઝત, મધુવંતી, મીણસાર અને સારણી નદીમાં આવેલા ઘોડાપુરના કારણે રાણાવાવ કુતિયાણા મત વિસ્તારના ખેડૂતોએ વાવેલો મહામુલો પાક નાશ પામ્યો છે.
આ વિસ્તારમાં વસતા માલધારીઓ તથા પશુપાલકોને પોતાના પશુઓને ખવડાવવા માટે કોઈપણ વ્યવસ્થા ન હોય, આથી તાત્કાલીક આ નદીઓના પૂર તથા વરસાદના કારણે થયેલી તબાહીનું સર્વે કરાવી અને વળતર તથા પાકવીમો આપવો. તેમજ પશુપાલકો માટે ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા કરી આપવા ખાસ ભલામણ છે. તેમ પત્રના અંતમાં કાંધલ જાડેજાએ જણાવ્યું છે.