પોરબંદરઃ પોરબંદરમાં લોકડાઉનમાં ખેડૂતોના ઘઉં અને ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે. 184 ખેડૂતોના 4994 ક્વિન્ટલ ઘઉં ખરીદાયા છે. કુલ 3451 ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે. કોરોના વાઇરસની મહામારીને લીધે હાલ લોકડાઉન છે, ત્યારે ગુજરાતમાં ખેડૂતો તેમના ઘઉં ચણાની ખેત પેદાશોનું વેચાણ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના ઘઉં અને ચણાની ખરીદી ટેકાના ભાવે થઇ રહી છે.
પોરબંદર જિલ્લામાં ઘેડ વિસ્તારમાં ચાલુ વર્ષે ચણાનું નોંધપાત્ર ઉત્પાદન થયું છે. રવિપાક ઘઉંનું પણ ઉત્પાદન થતાં ખેડૂતોના ઘઉં ચણા ખરીદવામાં આવી રહ્યાં છે. ઘઉંની ખરીદી પુરવઠા નિગમ દ્વારા પોરબંદર માર્કેટ યાર્ડ ખાતે થઇ રહી છે. જિલ્લા પુરવઠા મેનેજર કેપુલ પટેલે જણાવ્યું હતુ કે, ઘઉં માટે કુલ 3451 ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે. ખરીદી અંગેની જાણ સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાઇ રહે તે માટે એસ.એમ.એસ.થી મર્યાદિત સંખ્યા પ્રમાણે કરવામા આવે છે. તારીખ 9 મે સુધીમાં ખેડૂતોના 96 લાખની કિંમતના 4994 ક્વિન્ટલ ઘઉં ખરીદવામાં આવ્યા છે. કુલ 3451 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી પરમારે જણાવ્યું હતું કે, જિલ્લામાં ચણાની ખરીદી ગુજકોમાસોલ દ્વારા તાલુકા ખરીદ વેચાણ સંઘ કરવામાં છે. કુતિયાણામાં તા. 9મે સુધીમાં 7601 ગુણી 3800 ક્વિન્ટલ તેમજ પોરબંદર માર્કેટ યાર્ડ ખાતે પણ તારીખ 9 મે સુધી 35 ખેડૂતોની 1202 ગુણી 60 ટન ચણાની ખરીદી કરવામાં આવી છે. આ કામગીરી અવિરત પણે ચાલુ છે.