પોરબંદર: જિલ્લાના તમામ ગામોમાં 1 ઓક્ટોબર, 2023 ના રોજ સવારે 10 વાગ્યા 'એક તારીખ, એક કલાક' અન્વયે મહાશ્રમદાનના કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લાના આરોગ્ય કેન્દ્ર/આંગણવાડી/શાળા/વિવિધ કચેરીઓનાં પ્રાંગણ અને આજુબાજુના વિસ્તારો, પ્રવાસન સ્થળો, ગૌશાળા, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓ ખાતે યોજાયેલ મહાશ્રમદાનમાં ગ્રામજનો જોડાયા હતા.
મહા શ્રમદાન કાર્યક્રમમાં ઉપસ્થિત: જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર ટુકડા-ગોસા ગામે, જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કર બગવદર ગામે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા બખરલા ગામે મહા શ્રમદાન કાર્યક્રમમાં સહભાગી થયા હતા. તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યો, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ જિલ્લા/તાલુકાના ઉચ્ચ અધિકારીઓ જુદા-જુદા ગામે મહા શ્રમદાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું: જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત આ મહા શ્રમદાન કાર્યક્રમમાં સફાઈ અભિયાનની સાથોસાથ સૂકો/ભીનો કચરો અલગ રાખવા, ગામને હંમેશા સ્વચ્છ રાખવું, કમ્પોસ્ટ પેટનો ઉપયોગ કરવા માટે ગ્રામજનોને સમજણ આપવાની સાથોસાથ સ્વચ્છતા અંગે શપથ ગ્રહણ કર્યા હતા. 'એક તારીખ, એક કલાક' અન્વયે મહાશ્રમદાન કાર્યક્રમમાં કુતિયાણા તાલુકાના આરોગ્ય કેન્દ્ર આંગણવાડી શાળા વિવિધ કચેરીઓના પ્રાંગણ અને આજુબાજુના વિસ્તારો, પ્રવાસન સ્થળો, ગૌશાળા, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓ ખાતે સામુહિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
બીચની સફાઈ હાથ ધરવામાં: પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા હિ સેવા પખવાડિયા અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં સામૂહિક સ્વચ્છતા અભિયાન યોજાઈ રહ્યું છે. નગરપાલિકાના તમામ વોર્ડમાં પણ આ સ્વચ્છતા અભિયાન યોજાઈ રહ્યું છે. ત્યારે આપણે સૌ સાથે મળીને પોરબંદરને વધુ સ્વચ્છ બનાવીએ.ગાર્બેજ ફ્રી ઇન્ડિયન થીમ સાથે ગામ શહેર કચરા મુક્ત બને તે માટે એક તારીખ, એક કલાક અન્વયે મહાશ્રમ દાન કરી સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરી ચોપાટી ગ્રાઉન્ડ તથા બીચની સફાઈ હાથ ધરવામાં આવી હતી.
આગેવાનો અને માછીમારો પણ જોડાયા: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ના ડીઆઈજી પંકજ અગ્રવાલે જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાન એક તારીખ એક કલાક માત્ર આજના દિવસ પૂરતું નહિ પરંતુ બાળકો અને લોકો રોજ સ્વચ્છતા જાળવે અને એક સંદેશો મળે કે સ્વચ્છતા એ આપણા જીવન માં શ્વાસનું મહત્વ છે એવી રીતે જીવન માં આસપાસ સ્વચ્છતા નું પણ મહત્વ એટલું જ છે તે સંકલ્પ સાથે ચોપાટી પર આ કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં સ્કૂલ તથા કોસ્ટ ગાર્ડ કર્મચારીઓ અને માછીમાર સમાજ આગેવાનો અને માછીમારો પણ જોડાયા હતા.