- પ્રખર વકતા,ચિંતક, ઓશો પછીના ફિલોસોફર એવા ભગવાન બ્રહ્મવેદાંતજી 89 વર્ષની ઉંમરે મહાપરી નિર્વાણ પામ્યા
- આધ્યાત્મિક સામાજિક અને પર્યાવરણ જેવા વિવિધ ક્ષેત્રમાં અનેક કામગીરી કરી
- ‘સ્વામી બ્રહ્મવેદાન્ત’ નામ ઓશોએ આપ્યું
- બ્રહ્મવેદાંતજી ખૂબ જ સરળ અને સાદગીપૂર્ણ જીવન વ્યતિત કર્યુંભગવાન બ્રહ્મવેદાંતજી
પોરબંદર: પ્રખર વક્તા અને ચિંતક ઓશો પછીના ફિલોસોફર એવા ભગવાન બ્રહ્મવેદાંતજી 14 જાન્યુઆરી 2020ના રોજ ગુરુવારે સવારે 7:30 કલાકે 89 વર્ષની ઉંમરે મહાપરી નિર્વાણ પામ્યા છે.
બ્રહ્મવેદાંતજીએ ખૂબ જ સરળ અને સાદગીપૂર્ણ જીવન વ્યતિત કર્યું છે. તેમમે આધ્યાત્મિક સામાજિક અને પર્યાવરણ જેવા વિવિધ ક્ષેત્રમાં અનેક કામગીરી કરી છે.
બ્રહ્મવેદાંતજી બુદ્ધત્વની કક્ષાએ પહોંચ્યા હતા
માધવપુરમાં આશ્રમની સ્થાપના 1974-75માં સ્વામી બ્રહ્મવેદાંતજી અને સન્યાસી દ્વારા કરવામાં આવી હતી. ઓશો આશ્રમ સતત સાધકોના આધ્યાત્મિક વિકાસ તેમજ પર્યાવરણનું જતન કરે છે. સ્વામી બ્રહ્મવેદાંતજી બુદ્ધત્વની કક્ષાએ પહોંચી પોતાનાં સમગ્ર જીવનમાં દેશ-વિદેશથી આવતા સાધકોને ધ્યાન અને ઉચ્ચતર જીવનપ્રણાલીનો ઉપદેશ આપ્યો અને આશ્રમને યજ્ઞ કરીને સુંદર વૃક્ષો, મંદિરો અને શિલ્પકળાનાં સ્થાપત્યોથી સમૃદ્ધ કર્યો છે.
![ભગવાન બ્રહ્મવેદાંતજી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-01-bhagavan-brham-vedant-mahaprinirvan-10018_15012021163444_1501f_1610708684_433.jpg)
માધવપુરની પુણ્યભૂમિ પર જન્મ્યા હતા બ્રહ્મવેદાંત સ્વામી
માધવપુરની પુણ્યભૂમિ પર માતા મણીબાઈ ગોવિંદજીની કૂખે, પિતા મકનજી જગજીવન શાહનાં ખોળે, 1932ની છઠ્ઠી જુલાઈએ શ્રી હીરાલાલ શાહનો જન્મ થયો હતો. જગજીવન દાદા માધવપુરના નગરશેઠ હતા. તેમના ઘરમાં પુષ્ટિમાર્ગ પરંપરાનો પ્રભાવ હતો. હીરાલાલ શાહ કેવળ એક વર્ષના હતા, ત્યારે પિતાનો અને તેનાં 6 વર્ષ પછી માતાનો સાથ છૂટ્યો હતો. એટલે કે, 1939માં તેઓ માસા હરજીવનદાસ અને માસી અમૃતાબાઈ પાસે મોટા થયા હતો.
આબુ ખાતે,1972માં ‘ઓશો’ની શિબીરમાં જ દીક્ષા લીધી, અને ‘સ્વામી બ્રહ્મવેદાંતજી’ નામ ઓશોએ આપ્યું
1940થી એમનાં બાળમન પર ગાંધીજીનો પ્રભાવ પથરાતો ચાલ્યો હતો. અભ્યાસ છોડીને તેઓ ભારત છોડો લડતમાં જોડાયા હતા, એ વખતે રાષ્ટ્રીય ચળવળોમાં માત્ર રાજકીય કારકિર્દી બનાવવા લોકો ઝંપલાવતા નહોતા. એ સંઘર્ષમાં વિનોબાજી, સ્વામી આનંદ, ક.મા. મુનશી, જેવા અનેક નક્ષત્રો હતા. એમની સોબત અને રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ અને સ્વામી વિવેકાનન્દનાં સાહિત્યનો અભ્યાસ એમનું વૈચારિક ઘડતર કરનારા અગત્યના પરિબળો છે. જેને લીધે જીવનનાં ચોથા દાયકામાં, 1967માં, શારદાગ્રામ શિબીરમાં, ‘ઓશો’ રજનીશજી સાથે પ્રથમ સત્સંગ થયો હતો. પુષ્ટિમાર્ગીય ગળથુથીમાં, સ્વાતંત્ર્યસંગ્રામના સાથીઓની સંગત અને સાધનામાર્ગનાં વિવિધ પ્રવાસીઓના અણમોલ પુસ્તકોમાંથી મેળવેલ અર્કનું મિશ્રણ તૈયાર હતું. રજનીશજીનો સંસર્ગ થતાં જ અજબ આકર્ષણ થયું હતું. પછી તો, આબુ ખાતે 1972માં ‘ઓશો’ની શિબીરમાં જ દીક્ષા લીધી હતી અને ‘સ્વામી બ્રહ્મવેદાન્ત’ નામ ઓશોએ આપ્યું હતું.
![ભગવાન બ્રહ્મવેદાંતજી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-01-bhagavan-brham-vedant-mahaprinirvan-10018_15012021163444_1501f_1610708684_441.jpg)
વેરાવળમાં ‘સંકેત’ – રજનીશ ધ્યાન કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે કેવળ દૃષ્ટાભાવ જાગૃત થતા ‘ભગવાન’પદ મેળવ્યું
સ્વામીજીએ આત્મકથનાત્મક પુસ્તકમાં કહ્યું કે "સન્યાસ લેવાયો એ ઓશોની કૃપા હતી અને ઓશોની (મારે માટે)પસંદગી હતી.” બે વર્ષ પછી, 1974માં, વેરાવળમાં ‘સંકેત’–રજનીશ ધ્યાન કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે કેવળ દૃષ્ટાભાવ જાગૃત થતા ‘ભગવાન’પદ અનાયાસે મેળવ્યું હતું. ઓશો ઉપરાંત, ગાંધીજી, ગુર્જિયેફ, વિમલાતાઈ અને તાવરિયાજીનો પ્રભાવ સ્વામીજી પર રહ્યો હતો. એમનાં જમાઈ ડૉ.રાજેન વકીલ તો તાવરિયાજીની સાધના અને ધ્યાન પદ્ધતિનો લોકકલ્યાણ માટે પ્રસાર કરી રહ્યા છે.
![ભગવાન બ્રહ્મવેદાંતજી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-01-bhagavan-brham-vedant-mahaprinirvan-10018_15012021163444_1501f_1610708684_600.jpg)
સહજ સરળ નિર્મળ વાણીમાં પ્રવચન આપતાં સ્વામીજી જ સાધકોને મન ઓશો હતા
પરિવ્રાજક રામદુલારે બાપુ 1972થી 1982 દરમિયાન અવારનવાર આશ્રમમાં આવતા-જતા અને સ્વામીજી આંતરિક વિકાસ માટે એમનું માર્ગ દર્શન મેળવતા હતા. સ્વામીજીને તો હિમાલય જવું હતું, પરંતુ ‘રામદુલારે’ બાપુએ માધવપુર ખાતેની પોતાની વાડીમાં જ આશ્રમ બનાવવા કહ્યું હતું અને પોતાના હક્કની અન્ય જમીન પણ અપાવી હતી. આમ 1975ની આસપાસ માધવપુરનો આશ્રમ શરૂ થયો હતો. ખરાબાની જમીન, ત્યજાયેલા પથ્થરની ખાણોના વિસ્તાર અને હવે સરકાર પાસેથી મળેલી ‘મધુવન’ની જગ્યા પર આજે આશ્રમ શોભી રહ્યો છે. હજારો ચાહકો પ્રતિવર્ષ ત્યાં જીવનનો થાક ઉતારવા આવે છે. સહજ સરળ નિર્મળ વાણીમાં પ્રવચન આપતાં સ્વામીજી જ સાધકોને મન ઓશો હતા.
![ભગવાન બ્રહ્મવેદાંતજી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-01-bhagavan-brham-vedant-mahaprinirvan-10018_15012021163444_1501f_1610708684_563.jpg)
તેમનું નિર્દોષ બાળક જેવું હાસ્ય સૌને મોહી લેતું
તેમનું નિર્દોષ બાળક જેવું હાસ્ય સૌને મોહી લેતું હતું. આશ્રમમાં કોઈ જ શુલ્ક નહીં બસ આવો, પ્રકૃતિમય બનો, અનુકૂળતા હોય તો કૌશલ્ય અનુસાર સેવા કરી શકો છો. બાકી કોઈ ટકટક નહીં, અનિચ્છનીય Do's & Don'ts નહીં આશ્રમમાંપ્રવચન આરતી વગેરેમાં હાજરી પણ ફરજિયાત નહીં એવો એમનો સ્વભાવ હતો.