પોરબંદર: પોરબંદરમાં સોમવારની રાતે 9:15 થી 9:30 કલાકની આસપાસ કર્લી પુલ પાસે રોંગ સાઈડમાં આવતી એક કારે પાંચ લોકોને અડફેટે લીધા હતા, જેમાં અમદાવાદના દંપતી સહિત ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી યુવતીને ઇજાઓ પહોંચી હતી. જ્યારે પોરબંદરના રવિ પાર્કમાં રહેતા માતા-પુત્ર પુલ પરથી ફંગોળાઈને પુલ નીચેથી પાણીમાં ખાબક્યાં હતાં જેમનું ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
કાર ચાલકે 5 લોકોને લીધા અડફેટે: આ અકસ્માતમાં અમદાવાદમાં કેટરર્સનો વ્યવસાય કરતા 50 વર્ષીય વિનોદભાઈ દીનાનાથ શાહી તથા તેમના પત્ની ઉમાબેન વિનોદભાઈ શાહી પોરબંદર તેમના ભાઈને ત્યાં તહેવાર કરવા માટે આવ્યા હતા, જ્યારે તેઓ તેમના ભાભી રમાબેન દામોદરભાઈ શાહી તેમજ ભત્રીજા નરેન્દ્ર દામોદર શાહી સાથે બાઈક પર પોતાના ઘરે રવિ પાર્ક તરફ જઈ રહ્યાં હતાં, તે દરમિયાન કર્લી પુલ પાસે રોંગ સાઈડમાં પુરપાટ આવતી એક કારે ચારેય લોકોને અડફેટે લીધા હતાં, જેમાં રમાબેન અને તેમનો પુત્ર નરેન્દ્ર ફંગોળાઈને પુલ નીચેથી પાણીમાં ખાબક્યા હતાં. જેની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક દોડી ગયા હતા અને તાત્કાલિક માતા પુત્રને પાણીમાંથી બહાર કાઢી તમામ ઘાયલોને તાત્કાલિક પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. એટલું જ નહીં માતેલા સાંઢની જેમ ઘસી આવેલી કારે ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરતી 25 વર્ષીય યુવતી શિવાની હસમુખભાઈ લાખાણીને પણ અડફેટે લીધી હતી જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેનું મૃત્યું થયું હતું.
મહિલા ટ્રાફિક બ્રિગેડ કર્મીનું મોત: બીજી તરફ કાર ચાલક આ અકસ્માત સર્જી નાસી છુટ્યો હતો, જેની કારનો નંબર GJ 25 J4303 છે, ઘટના બાદ પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે, પોલીસે આરોપી કાર ચાલકને પકડવાની કાર્યવાહી પણ તેજ કરી છે, આ અકસ્માતમાં રમાબેન દામોદર શાહીની હાલત નાજુક બતાવાઈ રહી છે, જ્યારે અન્ય લોકોને નાની-મોટી ઈજા થઈ છે, જ્યારે બીજી તરફ ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરતી 25 વર્ષીય યુવતી શિવાની હસમુખભાઈ લાખાણીના મૃત્યુથી તેના પરિવારજનો સાથે પોલીસબેડામાં પણ શોક પ્રસરી ગયો છે.