પોરબંદરનાં કડીયા પ્લોટ શાળાની ધો. 8ની વિધાર્થિની મોઢવાડીયા માલતીએ કહ્યું કે, મુસીબતનાં સમયે કોઇ અચાનક હુમલો કરે તો શું કરવું ? સ્વ બચાવ કઇ રીતે કરવો ? તેના વિશે કરાટે નિષ્ણાંત મહેશભાઇ મોતીવરસ અને અંજલીબેન ગંધરોકીયા માર્ગદર્શન અને તાલીમ આપી રહ્યા છે. જે ખુબ જ ઉપયોગી તાલીમ છે. તાલીમ મેળવી રહેલી વિધાર્થિની કડછા ધારાએ કહ્યું કે, અચાનક કોઇ હુમલો કરે તો વિવિધ પંચ, કીક દ્વારા તથા જોરથી અવાજ કાઢીને તથા ગુસ્સાથી આંખો કાઢીને પણ પ્રતિકાર કરી શકાય તેમજ દુપટ્ટો, પેન, ચાવી, મોબાઇલ વગેરે જેવી વસ્તુઓનો હથિયાર તરીકે ઉપયોગ કરીને મુસીબતનાં સમયે સ્વબચાવ થઇ શકે તે વિશે હું માર્ગદર્શન અને તાલીમ મેળવી રહી છું.
ગર્લ્સ એજ્યુકેશન ઓફિસર વૈશાલિબેન પટેલે જણાવ્યું કે, જિલ્લા શિક્ષણાધિકારીનાં માર્ગદર્શન હેઠળ વિધાર્થિનીઓ સ્વ બચાવ માટેની સરકારની આ યોજનાનો અમલ થઇ રહ્યો છે. મુસીબતના સમયે મહિલાઓ સ્વબચાવ કરી શકે અને પુરી હિંમત તથા આત્મવિશ્વાસથી પ્રતિકાર કરી શકે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ સેમીનાર, કાર્યક્રમો તથા કેમ્પ યોજાતા હોય છે. પોરબંદર જિલ્લાની 219 શાળાઓમાં 8 હજાર થી વધુ વિધાર્થિનીઓ સેલ્ફ ડિફેન્સની તાલીમ ઇન્ટરનેશનલ શોટોકોન કરાટે એસોશીએસન એજન્સીનાં નિષ્ણાંતો દ્વારા મેળવી રહી છે. આ માટે શાળા દીઠ રૂ. 9 હજાર સરકારે ગ્રાન્ટ આપી છે. આ તાલીમમાં વિધાર્થિનીઓને કરાટેનું સમાન્ય જ્ઞાન તથા તાલીમ આપવામાં આવી રહ્યી છે. તેના માટે પોરબંદર જિલ્લામાં સરકારે રૂ. 19 લાખથી વધારેનું ફંડ પુરૂ પાડ્યુ છે.