પોરબંદર: ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના વાઈસ પ્રેસિડેન્ટ અને પોરબંદરના મહેર અગ્રણી નાથાભાઈ ભુરાભાઈ ઓડેદરાએ પોતાને મારી નાખવાની ધમકી મળતી હોય તે બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમનું કહેવું છે કે, તેઓ મહેર જ્ઞાતીમાં જાગૃતિ અભિયાન ચલાવી રહ્યાં છે, જે અંતર્ગત એક વીડિયો ક્લીપ બહાર પાડી હતી જેમાં તેમણે ઓડદરના રહેવાશી રમેશ છેલાણા નામની વ્યક્તિના ગેરકાયદે ધંધાનો ઉલ્લેખ કર્યો હતો. જેના પગલે છંછેડાયેલા આરોપી રમેશે નાથાભાઇને ધમકી આપી હતી. આ ઉપરાંત તેમણે અન્ય એક આરોપી દાસા ભીખા છેલાણા નામની વ્યક્તિએ ગાળો સાથે મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. તો બીજી તરફ પોલીસે નાથાભાઈની ફરિયાદના પગલે આરોપી રમેશ ભીખા છેલાણા અને દાસા ભીખા છેલાણાની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે.
શું છે વિવાદનું મુળ: મહેર અગ્રણી નાથાભાઈ ભુરાભાઈ ઓડેદરાએ થોડા સમય પહેલાં મહેર સમાજની એકતા બાબતે એક વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો, આ વીડિયોમાં તેમણે ઓડદરના રહેવાશી એવા રબારી સમાજના રમેશ છેલાણા નામના વ્યક્તિનો ગેરકાયદે ધંધાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, તેણે કેવી રીતે મહેર સમાજના લોકોને હેરાન કર્યા છે, અને ધાક ધમકી આપીને તેમને દબાવવાનો પ્રયાસ કર્યો છે. તેથી મહેર સમાજે આવા લોકો સામે વઘુ મજબુત થવાનું એકતા વધારવાનું આહ્વાન કર્યુ હતું અને આ બાબતે એકતા રેલી યોજવાનું જણાવ્યું હતું. આ વીડિયો ક્લિપ આરોપીઓ સુધી પહોંચતા છંછેડાયેલા રમેશ છેલાણા અને દાસા ભીખા છેલાણાએ તેમને અને તેમના મિત્ર મુરૂભાઈ લીલાભાઈ ઓડેદરાને ઓડિયો ક્લીપ મારફતે બેફામ ગાળો આપીને મારી નાખવા સુધીની ધમકી આપી હતી.
બે સમાજ વચ્ચે વૈમનસ્ય ભરી સ્થિતિ: બીજી તરફ આરોપીઓ રબારી સમાજમાં આવતા હોવાથી રબારી સમાજે આરોપીઓનું સમર્થન કર્યું છે અને મહેર સમાજના અગ્રણી નાથાભાઈ સામે નારાજગી વ્યક્ત કરી છે. જેના કારણે બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવો માહોલ સર્જાયો છે. ત્યારે ખરેખર આ મામલે શું નવો વળાંક આવે છે તે જોવું રહ્યું. હાલ તો પોલીસની દેખરેખ હેઠળ કાર્યવાહી થઈ રહી છે.
આ પણ વાંચો