પોરબંદર: રાણાવાવ ગામના બસ સ્ટેન્ડ નજીક ગુરૂવારની રાતે એક મહિલાનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે. મોઢાની ડાબી બાજુ જડબાના ભાગે તથા માથાના પાછળના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ કરીને આરોપીએ આ મહિલાની નિર્દયતાપૂર્વક હત્યા કરી હોવાનું જણાઈ રહ્યું છે. મૃતક ભિક્ષુક મહિલા છેલ્લા ઘણા સમયથી રખડતું ભટકતું એકલવાયું જીવન જીવતી હતી. હાલ તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને મૃતક મહિલાના મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે જામનગરની જીજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
મહિલા ભિક્ષુકની હત્યા ? રાણાવાવ નગરપાલીકાના બગીચાની પાછળ રહેતા મૃતક મહિલાના પુત્ર દેવશી વીસા વાઘેલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમની માતાની હત્યા તેમના ભાઈના દિકરા ભાવેશ બાબુભાઈ દશનામીએ કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ મૃતક મહિલાના પુત્ર દેવશી વીસા વાઘેલાએ જણાવ્યું હતું કે, તેની માતા લીલાબેન છુટક મજૂરી તેમજ ભીક્ષાવૃતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા અને રખળતું-ભટકતું જીવન જીવતા હતાં. ત્યારે ગુરૂવારની રાતે તે પોતાની માતાને ભોજન આપવા અર્થે રાણાવાવ બસ સ્ટેન્ડમાં આવ્યો હતો પરંતુ તેની માતા લીલાબેન તેમને ક્યાંય જોવા મળ્યાં ન હતા. ત્યારે અહીં બસ સ્ટેન્ડમાં બેસેલી એક વ્યક્તિને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, એક યુવક થોડીવાર પહેલાં જ તેમને અહીંથી લઈને બસ સ્ટેન્ડના પાછળના ભાગે ગયેલ છે. તેથી મૃતકના પુત્રએ તે તરફ જોતા તેનો મામાનો દિકરો ભાવેશ બાબુભાઈ દશનામી અંધારામાં દોડીને નાસતો જોવા મળ્યો. જ્યારે બીજી તરફ અહીંથી તેની માતા લીલાબેન ગંભીર ઈજાઓ સાથે લોહીલુહાણ હાલતમાં પડ્યાં હતાં. દરમિયાન પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લીલાબેનને રાણાવાવના સરકારી દવાખાને લાવતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતાં.
આરોપી મહિલાનો ભત્રીજો: હાલ તો રાણાવાવ પોલીસે રાણાવાવના મફતીયાપરામાં રહેતા ભાવેશ બાબુભાઇ દશનામી નામના આરોપી સામે આઇપીસી 302 સહિતની કલમ સાથે હત્યાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસે નોંઘ્યું છે કે, મરનાર મહિલાનો મૃતદેહ નિર્વસ્ત્ર અવસ્થામાં મળી આવ્યો હોવાથી તેમની સાથે દુષ્કર્મ પણ થયું હોય. જોકે સાચી હકિકત તો આ ઘટનામાં ફોરેન્સિક રિપોર્ટ આવ્યાં બાદ બહાર આવશે.