- કોંગ્રેસ નેતા રામદેવ મોઢવાડીયાએ કર્યો ખાપટ- ધરમપુરના સેવરેજ નેટવર્કના 36 કરોડના ટેન્ડરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
- પોરબંદર છાયા સયુંકત નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની મીલીભગતથી માત્ર 3 ટેન્ડર જ ખોલાયા
- સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ
- ટેન્ડરની પ્રક્રિયા ગુજરાત અર્બન ડેવલોપમેન્ટને સોંપવામાં આવે તેવી માગ
પોરબંદર : કોરોના કાળમાં પણ રાજ્યમાં ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાની ઘટનાઓ સામે આવે છે, ત્યારે પોરબંદર છાયા સયુંકત નગરપાલિકા દ્વારા ખાપટ અને ધરમપુરના વિસ્તારમાં સેવરેજ નેટવર્ક માટે 36 કરોડના ટેન્ડરમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સેક્રેટરી રામદેવ મોઢવાડીયાએ કર્યો છે. આ ટેન્ડર પ્રક્રિયા પારદર્શક રીતે કરવામાં આવે તેવી માગ સાથે આ પ્રક્રિયામાં સંડોવાયેલા અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માગ કરી છે.
આ પણ વાંચો - પોરબંદરમાં આંશિક લોકડાઉન ખુલતા વેપારીઓને રાહત
પાંચ ટેન્ડર્સમાંથી માત્ર 3 જ ટેન્ડર ખોલાયા
રામદેવ મોઢવાડીયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ખાપટ અને ધરમપુર સેવરેજ નેટવર્ક માટે 5 અલગ અલગ કંપનીઓએ ટેન્ડર મોકલ્યા હતા, પરંતુ અધિકારીઓ અને પદાધિકારીઓએ માત્ર ત્રણ જ ટેન્ડર ખોલ્યા હતા. જેમાંથી જલારામ પ્રોજેક્ટ, વિષ્ણું પ્રકાશ આર પુનગલીયા લિમિટેડ અને યશ કન્સ્ટ્રકશનના ટેન્ડર્સ ખોલ્યા હતા, પરંતુ એન પી પટેલ અને વી સી પ્રોજેકટ એન્ડ પ્રાઇવેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને ટેન્ડર ફિઝિકલ ડિમાન્ડ ડ્રાફ્ટ નથી, એમ કહી ટેન્ડર ઓપન કર્યું ન હતું. અધિકારીઓ અને પદાધિકારીઓ અને ટેકનિકલ બીડમાંથી ડિમાન્ડ ડ્રાફ્ટ ગૂમ કર્યો હોવાનો આક્ષેપ પણ રામદેવ મોઢવાડીયાએ કર્યો હતો.
આ પણ વાંચો - વાવાઝોડું પોરબંદરમાં રાત્રે 8થી 11 ક્લાક વચ્ચે ટકરાશે
ટેન્ડર મંજૂર થશે, તો 26 કરોડનું નુકસાન જશે
આ કામ મંજૂર થશે, તો પ્રજાના કર વેરાના 26 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થશે. તેથી આ ટેન્ડર રદ્દ કરીને નવેસરથી ટેન્ડર મંગાવવામાં આવે અને આ કામના ટેન્ડરની પ્રક્રિયા નગરપાલિકા પાસેથી લઈ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનને સોંપવામાં આવે જેથી પારદર્શક રીતે ટેન્ડરની પ્રક્રિયા થઇ શકે, તેવી માગ રામદેવ મોઢવાડીયાએ કરી છે.
આ પણ વાંચો - પોરબંદરના જ્યુબેલી પુલ નજીક NDRFના જવાનોને લઈને જતી બસમાં અચાનક આગ લાગી