પોરબંદરઃ હાલ તહેવારની સીઝન ચાલી રહી છે ત્યારે દશેરામાં ફરસાણ અને મીઠાઈમાં ભેળસેળ અંગે પોરબંદર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા પોરબંદર શહેરની અલગ અલગ વિસ્તારોમાં આવેલી 16 જેટલી દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે જ અધિકારીએ 3 દુકાનોએથી ખાદ્યપદાર્થોના સેમ્પલ એકત્ર કર્યા હતા.
ફુડ વિભાગના અધિકારીઓ દ્વારા વેપારીઓને ખાદ્ય પદાર્થને લઈ નીચના નિયમોનું પાલન કરવા સુચના અપાઈ છે.
- ખાદ્ય પદાર્થના ધંધાર્થીઓએ દાઝીયું તેલ ન વાપરવું
- ખાદ્યપદાર્થો ખુલ્લા ન રાખવા
- વાસી તથા ઉઘાડા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરવું નહીં
- ખાદ્ય પદાર્થો ઢાંકીને રાખવા
- ખાદ્ય ચીજો બનાવવા ઉપયોગમાં લેવાતા વાસણો સ્વચ્છ અને ચોખ્ખા રાખવા તેમજ ખાવા માટે આપવામાં આવતી ડીસ ચોખ્ખી અને સ્વચ્છ રાખવી
- ખાદ્ય ચીજ બનાવવા માટે તથા પીવાનું પાણી કલોરીનેશન કરીને ઉપયોગમાં લેવું
- માખીનો ઉપદ્રવ થાય નહીં તેની કાળજી રાખવી
- પ્રિમાઇસીસ સ્વચ્છ રાખવી તથા કચરાપેટી રાખવી
- એક્સપાયરી ડેટના ખાદ્ય પદાર્થોનું વેચાણ કરવું નહીં
- ખાદ્ય પદાર્થો ન્યુઝ પેપર કે છપાયેલા કાગળમાં આપવા તેમજ પીરસવા નહીં