- ભાજપ રેમડેસીવીરનું રાજકારણ રમે છે
- ભાજપ પાસે ક્યાંથી આવ્યા 5000 ઇન્જેક્શન?
- વોટબેંક કરતા પણ હલકી કક્ષાની રાજનીતિ
પોરબંદર: ગુજરાતમાં કોરોના મુદ્દે દિવસે ને દિવસે પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે અને હોસ્પીટલો પાસે રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો ખૂટી પડ્યો છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 5000 રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો ભાજપ દ્વારા આપવામાં આવશે. આ બાબતે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પોરબંદરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને ભાજપ પાસે ઇન્જેક્શન ક્યાંથી આવ્યા તેવા સવાલો કર્યા હતા. ઇન્જેક્શન બાબતે ભાજપ રાજકારણ રમતુંં હોવાનો અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કરી સી.આર. પાટીલની ધરપકડ કરવામાં આવે તેવી માગ કરી છે.
સી.આર. પાટીલે ફાર્મા એક્ટનો કર્યો છે ભંગ, ગેરકાયદેસર રીતે મેળવ્યો છે ઇન્જેક્શનનો જથ્થો
અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલમાં રેમડેસીવીર ઇન્જેક્શનની ભારે તંગી સર્જાઇ છે અને લોકો આ ઇંજેક્શન મેળવવા માટે લાંબી કતારોમાં ઊભા છે, બમણા પૈસા આપવા છતા બ્લેકમાં પણ આ ઇન્જેક્શન મળતા નથી, ત્યારે આ જથ્થો સી.આર.પાટીલે ગેરકાયદેસર રીતે મેળવ્યો છે તેમજ ફાર્મા એક્ટનો ભંગ કર્યો છે આથી તેમની ધરપકડ કરવામાં આવે અને તેમને ભાજપના પ્રમુખ પદેથી હટાવવામાં આવે તેવી માગ કરી હતી.