વાયુ વાવાઝોડાના પગલે પોરબંદરના દરિયામાં વાયુનો કરંટ દેખાઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી પોરબંદરમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં પોરબંદરમાં કુલ 59 mm, રાણાવાવમાં 58 mm કુતિયાણામાં 96 mm વરસાદ નોંધાયો હતો. તો દરિયામાં મોજા પણ સામાન્ય મોજાકરતા વધુ ઊંચાઈએ ઉછળી રહ્યા છે.
પોરબંદરમાં રમણીય ચોપાટી આવેલી છે અને આ ચોપાટી પોરબંદર વાસીઓનું સૌથી પ્રિય સ્થળ છે. જ્યાં અનેક લોકો પરિવાર સાથે મિત્રો સાથે આવી સવારથી સાંજ સુધી નિયમિત ચોપાટીનો લ્હાવો માણતા હોય છે. તો ઘણા પ્રવાસીઓ પણ આ ચોપાટીની મુલાકાત લઇને ખુશી અનુભવતા હોય છે. પરંતુ નિયમિત ચોપાટીએ વોકિંગમાં જતા લોકો નિરાશા અનુભવી રહ્યા છે. ચોપાટી પર પોલીસ દ્વારા સુરક્ષાને ધ્યાને લઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં અમુક લોકો કાયદાનું પાલન ન કરતા હોવાથી ત્રણ લોકોની પોલીસે અટકાયત કરી હતી
પોરબંદરમાં ચોપાટી પર જવાનો પ્રતિબંધ જિલ્લા મેજિસ્ટ્રેટે લંબાવ્યો છે. જેમાં હજુ 7 દિવસ સુધી આ પ્રતિબંધ રહશે. જેથી તારીખ 16થી 22 સુધી ચોપાટી સહિત નજીકના વિસ્તારમાં પોરબંદરના લોકોને જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેને લઇને લોકો આગળના રોડ ઉપર બેસીને ચોપાટીની મજા માણતા દેખાઈ રહ્યા છે. નિયમિત ચોપાટી પર આવતા લોકો પણ પોલીસને સહકાર આપી રહ્યા છે.