પોરબંદરઃ દેશભરમાં કોરોના વાયરસ કહેર વર્તાવ્યો છે, ત્યારે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે અને લોકો એક શહેરથી બીજા શહેરમાં અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ શકતા નથી. આ અંગે કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, લોકડાઉન જાહેર વહેલું કરવાની જરૂર હતી. જેથી લોકો પણ વ્યવસ્થા જાળવી શકે, આજે દેશના ઘણા લોકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
સમગ્ર દેશ લોકડાઉનમાં સહયોગ આપી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, લોકડાઉનની જાહેરાત ઓચિંતી કરવામાં આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વડાપ્રધાન થાળીઓ વગાડવાનો કાર્યક્રમ આપ્યો તે દિવસે જ લોકડાઉનની જાહેર કરવાની જરૂર હતી. સૌ લોકો પોતપોતાના ઘરે પહોંચી જાત.
તેમણે કહ્યું કે, દેશની 10 ટકા વસ્તી એટલે કે 13 કરોડ લોકો ઘરની બહાર છે. બીજા રાજ્યોમાં બીજા શહેરોમાં હેરાન થઇ રહ્યા છે, તે દુઃખી છે બંને બાજુએ બસની વ્યવસ્થા કરી તે માટે મુખ્યપ્રધાનને ધન્યવાદ. આ અંગે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઉમરગામ સુધીના માછીમારો ફસાયા છે. સુરતના પણ અનેક લોકો બહાર છે, આમ 24 કલાક પહેલા લોકડાઉનની અમલવારી કરાવવાની જાહેરાત કરવી જરૂરી હતી. જેથી લોકો પોતાના ઘર સુધી પહોંચી શકત.
તેમણે કહ્યું કે, સરકારનો સહયોગ આપી રહેલા મેડિકલ અને સફાઈ કર્મચારીઓ માટે પણ સરકાર ખાસ પેકેજ જાહેર કરે તથા મજૂરોને પરિવહન માટેની સુવિધા માટે પણ જાહેરાત કરે. આ ઉપરાંત જનધન એકાઉન્ટમાં બે હજાર રૂપિયા સરકાર જમા કરાવી આપે. જેથી 21 દિવસ સુધી ગરીબ લોકો ગુજરાન ચલાવી શકે તેવી વિનંતી કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ કરી હતી. આ ઉપરાંત લોકડાઉન સફળ રહે અને કોરોનાને ભગાડવા તૈયારી દાખવવા દેશ ના લોકોને વિનંતી કરી હતી.