પોરબંદરના મંડેર ગામે મોચી ફળિયામાં એકલા રહેતા 80 વર્ષના વૃદ્ધા રાણીબેન કેશવ વાસણ રાત્રીના સમયે સુતા હતા. તે દરમિયાન ગામનો ભીમ ભીખા બાલસ નામનો વ્યક્તિ દારૂ પી ઘરમાં ઘુસી ગયો હતો. તેમજ વૃદ્ધાને શારીરિક અડપલા કરીને આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. વૃદ્ધાએ મનાઈ કરતા તેની સાથે મારકુટ કરી હતી. વહેલી સવારે વૃદ્ધાનો દીકરો ચા આપવા માટે ઘરે આવ્યો ત્યારે વૃદ્ધાને નિ:વસ્ત્ર હાલતમાં અને લોહી જોતા કંઈક અજુગતું બન્યા હોવાની જાણ થતાં વૃદ્ધાને તાત્કાલીક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
આ આરોપી ભીમ ભીખા બાલસ દારૂ પી અનેકવાર આવા કૃત્યો કરતો હોવાનું વૃદ્ધ મહિલાના દીકરાએ જણાવ્યું હતું. તેમજ આ બાબતે માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ 80 વર્ષના વૃદ્ધ મહિલા સાથે આબરૂ લૂંટવાનો પ્રયાસ થતાં આવા શખ્સો પર પોલીસ કડક કાર્યવાહી કરે અને આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે. જેથી અન્ય લોકો આવું કૃત્ય કરતા સો વાર વિચાર કરે તેવી લોકમાગ ઉઠી છે.