પોરબંદર: જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ જિલ્લા અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલની સૂચના અનુસાર LCB-PI એમ.એસ દવેના માર્ગદર્શન હેઠળ LCB-PSI એચ.એન.ચુડાસમા અને LCB સ્ટાફ વિવિધ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતા.
પોટ્રેલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ રવિ ચાઉં, ASI રમેશભાઇ જાદવ, પોલીસ કોન્સ્ટેબલ સલિમ પઠાણને મળેલ માહિતી અનુસાર શીતલા ચોક વેરાવળી માતાજીના મંદિર પાસેથી ચોરીના આરોપી મહમદ ઉર્ફે મામદો નાસીર શાહમદારની ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.
આ આરોપી પાસેથી પોલીસને 22,000 રોકડા મળ્યા હતા. જે તેને આજથી આશરે પોણા બે માસ અગાઉ સુતારવાડામાં આવેલી રતીલાલ મણીલાલ લાખાણીની દુકાનના કાઉન્ટરમાંથી બપોરના સમયે ચોરી કર્યાનું જણાવ્યું હતું. આ ઉપરાંત આજથી 4-5 દિવસ અગાઉ સુદામા મંદિર પાસે આવેલી નોવેલ્ટીની દુકાનમાંથી એમ.આઈ કંપનીનો મોબાઇલ ફોન કાઢી લેવાનું પણ કબૂલ કર્યું હતું. આ ઉપરાંત આજથી આશરે 4-5 દિવસ અગાઉ ઉપલેટા જીનમિલ ચોકમાંથી પ્લાયવુડની દુકાનના કાઉન્ટરમાં રોકડ 30,000ની રકમ પણ ચોરી કર્યાનું કબુલ્યું હતું.
આજથી આશરે બે અઢી માસ પહેલાં શીતળા ચોકમાં પાર્કિંગમાં રાખેલા કાળા કલરની અજાણી કારમાંથી 2 સોનાની વિંટી તથા સોનાની લેડીઝ લકી ચોરી કર્યાનું પણ આરોપીએ કબૂલ્યું હતું. આ ઉપરાંત પોલીસ દ્વારા આરોપી પાસેથી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલ તેને કિર્તીમંદિર પોલીસ સ્ટેશનમાં લોક-અપમાં રાખવામાં આવ્યો છે.