પોરબંદરઃ શહેરમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલ રામનાથ કુમાવતના જણાવ્યા અનુસાર જવાહર નવોદય વિદ્યાલયમાં માઈગ્રેસનની સિસ્ટમ હોવાથી ગુજરાતના 22 વિદ્યાર્થીઓ હાલ ઉત્તર પ્રદેશ અભ્યાસ કરી રહ્યા હતા અને ઉત્તર પ્રદેશના 21 વિદ્યાર્થીઓ પોરબંદરમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરી રહ્યા હતા.
લોકડાઉનની સ્થિતિ સર્જાતા તમામ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. જેના લીધે વિદ્યાર્થીઓના વાલીઓએ સરકારને વિનંતી કરી હતી. વાલીઓની વિનંતીને લીધે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલ, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પોરબંદરના સાંસદ રમેશ ધડુકના અથાગ પ્રયત્નો પર આ વિદ્યાર્થીઓને પોરબંદર પરત લાવવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશમાં અભ્યાસ કરતા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓએ પોરબંદર પહોંચી સરકારનો આભાર માન્યો હતો. બીજી તરફ વાલીઓએ પણ રમેશ ધડુક, મુખ્યપ્રધાન રૂપાણી અને આનંદી પટેલનો આભાર માન્યો હતો.
ઉત્તર પ્રદેશના જે 21 વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલય પોરબંદરમાં અભ્યાસ કરે છે, તેમને ઉત્તર પ્રદેશ મોકલવામાં આવશે.
ઉત્તર પ્રદેશથી આવેલા તમામ વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને બસને પોરબંદર નગરપાલિકા દ્વારા સેનિટાઇઝ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના જવાહર નવોદય વિદ્યાલયના સંચાલકના જણાવ્યા અનુસાર રસ્તામાં પણ વિદ્યાર્થીઓને કોઈપણ બાબતે મુશ્કેલી થઇ નહોતી. વધુમાં તેમણે જણાવ્યું કે, પોલીસ સહિત તમામ લોકોએ તેણની મદદ કરી હતી. આ સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સરકારી અધિકારીઓ, પત્રકારો અને તમામ શિક્ષકોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.