- ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમ વિરુદ્ધ ઝડપી કાર્યવાહી કરાશે
- અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકની ઉપસ્થિતીમાં કરાયું ઈ-લોકાર્પણ
- ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઠગો વિરુદ્ધ કરવામાં આવશે કાર્યવાહી
પોરબંદર : દિવસેને દિવસે ડિજિટલ ક્ષેત્ર હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે સાયબર ક્રાઇમના ગુનાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. આ ઘટનાઓને રોકવા માટે પોલીસ ભરતી થઈ છે અને ગૃહ વિભાગ દ્વારા ગુજરાતમાં પોરબંદર જિલ્લા સહિત 10 જિલ્લામાં નવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાના હસ્તે ગાંધીનગરથી કરવામાં આવ્યું છે.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બનતા અનેક ફરિયાદોનો ઉકેલ આવશે
પોરબંદર જિલ્લામાં 20 પોલીસ જવાનોનો સ્ટાફ રહેશે. જેમાં 1 પી.આઇ. અને 2 પી.એસ.આઈ સહીત 20 જવાનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તૈનાત રહેશે. પોરબંદર જિલ્લામાં સોશિયલ મીડિયામાં કોઈ સમાજ પર કે વ્યક્તિગત અભદ્ર ભાષાની ટિપ્પણી કરતા લોકો તથા એટીએમ કાર્ડના ઓટીપી મેળવી રૂપિયા પડાવી લેવા સહિત લોભામણી નોકરીની જાહેરાત દ્વારા લોકો સાથે છેતરપિંડીના કેસ માં વધારો થઇ રહ્યો છે. ત્યારે પોરબંદરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થતાં હવે લોકોને ઉપયોગી બનશે અને સાયબર ક્રાઇમની ફરિયાદોનું નિવારણ ઝડપી થશે.