- શંખમાં જળ ભરી શિવલિંગ પર અભિષેક નિષેધ છે
- તુલસીના પાન શિવલિંગ ચડાવવા પર શાસ્ત્રોમાં મનાઈ છે
- શાસ્ત્રોમાં વર્ણવેલી પૂજા સામગ્રીનો શિવપૂજામાં નથી થતો ઉપયોગ
પાટણ: પવિત્ર શ્રાવણ માસમાં શિવ ઉપાસકો અને શિવ ભક્તો ભગવાન શિવની પૂજા અર્ચના અને ઉપાસનામાં લીન બન્યા છે. દરેક શિવાલયો અને શિવ મંદિરો બમબમ ભોલે અને ઓમ્ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠયા છે. ભગવાન ભોળાનાથને રીઝવવાનો મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ આ મહિનામાં શિવની ઉપાસના કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ભગવાન શિવ પ્રસન્ન થાય છે, ત્યારે શિવ ભકતો અનેક પ્રકારના પદાર્થો અને દ્રવ્યો વડે શિવની પૂજા-અર્ચના કરી તેમને પ્રસન્ન કરવા માટેના પ્રયાસો કરે છે, પણ શિવ પૂજામાં કેટલીક મર્યાદાઓ અને કેટલીક પૂજા સામગ્રીનો ઉપયોગ ન કરવા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.
આ પણ વાંચો- શું છે શ્રાવણ મહિનાનો મહિમા, કેમ કરવામાં આવે છે શિવનો જળાભિષેક ?
શિવને જાસુદ, ચંપો, કેતકીનું પુષ્પ ચઢાવવામાં આવતું નથી
ખાસ કરીને શિવપૂજામાં બધા જ પ્રકારના પુષ્પો ચઢાવવામાં આવે છે, પણ જાસુદ, ચંપો, કેતકીનું પુષ્પ ચઢાવવામાં આવતું નથી. કારણ કે, શિવ નિષ્કલ અને નિર્ગુણ હોવાથી આવા પુષ્પો તેમને વર્જિત છે. ધતુરો અને આંકડો રાગ રહિત હોવાથી ભગવાન શિવને ચઢાવવામાં આવે છે. કેવડાનું પુષ્પ પણ શિવની પૂજામાં ઉપયોગમાં લેવાતું નથી. કારણકે, શિવપુરાણની કથા આધારિત કેવડાની શક્યતાને કારણે શિવે કેવડાનો ત્યાગ કર્યો છે, માટે કેવડો ભગવાન શિવને ચડતો નથી.
શિવલિંગ પર તુલસીના પાન પણ ચઢાવવામાં આવતા નથી
દેવી દેવતાઓની પૂજામાં શંખમાં પાણી ભરી અભિષેક કરવામાં આવે છે, પણ શિવપૂજામાં શંખનો ઉપયોગ કરવામાં આવતો નથી. શિવપુરાણની કથા અનુસાર ભગવાન શિવે શંખચૂડ નામના અસુરનો વધ કર્યો હોવાથી શંખમાં જળ ભરીને શિવલિંગ પર અભિષેક કરી શકાતો નથી. શિવલિંગ પર તુલસીના પાન પણ ચઢાવવામાં આવતા નથી કારણ કે, તુલસી એ હરિપ્રિયા છે તેમજ ભગવાન વિષ્ણુએ જલંધરનો વધ કર્યો હોવાથી શિવ તુલસી ગ્રહણ નથી કરતા.
આ પણ વાંચો- પ્રભાસતીર્થમાં સોમનાથના સાનિધ્યમાં સંતોનો ભંડારો
શિવને સિંદૂર ચડતું નથી
હિન્દુ શાસ્ત્રોમાં દરેક દેવી દેવતાઓની પૂજામાં સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે છે. પણ શિવને સિંદૂર ચડતું નથી. કારણકે, સિંદૂર સ્ત્રીનું સૌભાગ્ય છે, શિવ આખા જગતનું પરમ પુરુષત્વ છે તેઓ નિગુણ નિષ્કલ છે, માટે શિવને સિંદૂર ચડતું નથી. આમ ધર્મશાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર વિધિવત રીતે શ્રદ્ધાથી શિવ પૂજા કરવામાં આવે તો ચોક્કસ તેનું શુભ ફળ મળે છે અને ભગવાન ભોળાનાથ ભક્તો પર પ્રસન્ન થાય છે.