- રાણીની વાવ ખાતે લાઈવ ચિત્ર સ્પર્ધા યોજાઇ
- વૈશ્વિક વારસાના સંરક્ષણ, સંવર્ધન અને પ્રચાર માટેના પ્રયત્નોના ભાગરૂપે યોજાઈ ચિત્ર સ્પર્ધા
- રાણીની વાવ ખાતે કલાસાધકો એ રંગોના માધ્યમથી સપ્તરંગી વૈભવ કર્યો
છેલ્લા 15 વર્ષથી કલાકારોના ઉત્થાન માટે કામ કરતી સુરતની સ્વૈચ્છિક સંસ્થા કલા પ્રતિષ્ઠાન અને વિલેજર ફાઉન્ડેશનના સહયોગથી યુનેસ્કો દ્વારા રાણીની વાવ ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. વર્લ્ડ હેરીટેજ વોલેન્ટીયર્સ કાર્યક્રમ અંતર્ગત યુવાનોને જોડીને વિશ્વ વિરાસતના સંરક્ષણ, સંવર્ધન અને પ્રચાર માટેના પ્રયત્નોના ભાગરૂપે ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી.
ચિત્રકારોએ અલગ અલગ રીતે રાણીની વાવને કાગળ પર કંડારી
કલા પ્રતિષ્ઠાનના અધ્યક્ષ રમણિક ઝાંપડીયાએ જણાવ્યું કે, ભારતીય કળાના પૌરાણીક સ્થાપત્યો, શિલ્પો અને દેવાલયો સંવર્ધિત થાય, તેની જાળવણી થાય અને લોકભોગ્ય બને તેવા પ્રયત્નોના ભાગરૂપે અહીં ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી છે. આ સાથે જ આ સ્પર્ધાની ડોક્યુમેન્ટ્રી અને કેટલોગ દ્વારા બહોળો ફેલાવો કરી સ્થાપત્યોના સંવર્ધનો સંદેશ આપવામાં આવશે.
ચિત્રકારોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા
પાટણની ઐતિહાસિક રાણીની વાવ ખાતે રાજ્યના 100 જેટલા ચિત્રકારોએ અલગ- અલગ રીતે રાણીની વાવને પોતાના કાગળ ઉપર કંડારી હતી. ચિત્ર સ્પર્ધા બાદ શહેરની બી. ડી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તમામ ચિત્રોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં પાટણના પ્રબુદ્ધ નાગરિકોએ આ પ્રદર્શન નિહાળ્યું હતું, ત્યારબાદ આ સ્પર્ધામાં ભાગ લેનારા ચિત્રકારને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કરનારા કલાકારોને શિલ્ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
દોરાયેલા ચિત્રોનું યોજવામાં આવ્યું પ્રદર્શન
ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનારા અને બેસ્ટ આર્ટિસ્ટ એવોર્ડ મેળવનારા અમદાવાદની સંગીતા ગડાએ જણાવ્યું હતું કે, આ સ્પર્ધાથી પેઈન્ટીંગના સ્ટડી વર્કની સાથે સાથે શિલ્પ- સ્થાપત્ય કળાથી રૂબરૂ થવાનો મોકો મળ્યો હતો. રાણીની વાવની સ્થાપત્ય કળા બેનમૂન છે આજે તેને કાગળ પર ઉતારવાનો અવસર મળ્યો છે. ચિત્રકામની દ્રષ્ટીએ ચીવટ માગી લેતી આકૃતિઓને આપણા પૂર્વજોએ પથ્થર પર કંડારી છે તે ખરેખર ગૌરવની વાત છે.
વિવિધ વિષયો પસંદ કરીને પોતાની કલા પ્રદર્શિત કરી
લાઈવ વોટર કલર કોન્ટેસ્ટ અંતર્ગત રાણીની વાવ અને તેના પ્રાંગણમાં 100 જેટલા ચિત્રકારો અને આર્ટ ટીચર્સે પોતાની કળા અજમાવી હતી. ચિત્રકારોએ અપર એંગલ, શિલ્પ, વાવના આર્કિટેક્ચર અને લેન્ડસ્કેપ જેવા વિવિધ વિષયો પસંદ કરીને પોતાની કલા પ્રદર્શિત કરી હતી.
આ પણ વાંચો : ઐતિહાસિક રાણીની વાવમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો