પાટણ: રાજ્ય સરકાર દ્વારા આગામી જાન્યુઆરી-૨૦૨૪ દરમિયાન ગાંધીનગરમાં યોજાનાર 'વાયબ્રન્ટ ગુજરાત સમિટ'ના ભાગરૂપે દરેક જિલ્લામાં તારીખ 2 થી 12 ઓક્ટોબર દરમિયાન વાયબ્રન્ટ ડિસ્ટ્રીકટ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે આજે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કન્વેન્સન હોલ ખાતે વાયબ્રન્ટ પાટણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ વિષયો ઉપર એક્સપર્ટ સેમિનાર, પેનલ ડિસ્કશન અને ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમિટમાં વાજપાઈ બેંકેબલ યોજના, MSME અને સ્ટાર્ટઅપ લોન સહાય, પોલિમર મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરવા માટે સહાય જેવી વિવિધ યોજનાના લાભાર્થીઓને લોન સહાય ચેક ઉદ્યોગ પ્રધાનના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
"વર્ષ 2003માં જ્યારે વાઇબ્રન્ટ સમિટ ની શરૂઆત થઈ ત્યારથી ગુજરાતની પરિસ્થિતિ બદલાઈ છે. જે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ નો આભાર માનવો જોઈએ. વર્ષ 2003માં જે પ્રયોગ કર્યો હતો. તે વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી જ આજે દુનિયાભરમાં ગુજરાતનું નામ રોશન થયું છે. ગુજરાત આજે વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. ગુજરાત આજે 33% જેટલી નિકાસ કરી રહ્યુ છે. ગુજરાત 18% જેટલું ઉત્પાદન કરે છે. આજે 8.4 % GDP સાથે ગુજરાત અગ્રેસર છે. છેલ્લા 20 વર્ષથી સૌથી વધુ રોજગારી ગુજરાત રાજ્ય આપી રહ્યુ છે. ભારત આજે મજબૂત મહાસત્તા બનીને આગળ વધી રહ્યો છે. આવનાર સમયમાં વર્ષ 2047 સુધી છેવાડાના માનવી સુધી તમામ યોજનાઓ પહોંચે તે દિશામાં કાર્ય કરવામાં આવ્યું છે."-- બળવંતસિંહ રાજપૂત (ઉદ્યોગ પ્રધાન)
રોકાણ કારોને માર્ગદર્શન અપાયું: વાયબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ની પ્રિ-ઈવેન્ટ સમાન આ સમિટમાં નિષ્ણાંત વક્તાઓએ ઉદ્યમ રજીસ્ટ્રેશન, સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ, MSME, આત્મનિર્ભર ગુજરાત સ્કીમ-૨૦૨૨, ગુજરાત ટેક્ષટાઈલ પોલિસી-2019 ZED સર્ટિફિકેટ પ્રક્રિયા, વિવિધ ઈન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી સ્કીમ, બેન્કિંગ અને ફાઇનાન્સ, PM માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝીસ સ્કીમ, ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસની જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત, મધ્યમ અને નાના ઉદ્યોગકારો તેમજ રોકાણકારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.