પાટણઃ સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે અરજીઓ કરનાર પાટણ શહેર સહિત જિલ્લાના ઉમેદવારોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી કલેકટરને ઉદ્દેશીને ચીટનીશને આવેદનપત્ર આપી જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોઈને કોઈ કારણોસર અટકાવી દેવામાં આવી છે. કેટલીક ભરતીઓ એવી છે કે જેમાં તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. છતાં નિમણૂક આપવામાં આવી નથી.
સરકારની નબળી નીતિને કારણે છેલ્લા બે વર્ષથી નોટિફિકેશન થયેલ પરીક્ષાઓ પણ લેવામાં આવી નથી. ગુજરાતમાં આશરે 40,000 જેટલી જગ્યાઓ માટેની પ્રક્રિયા અલગ-અલગ તબક્કે અટકી છે. જેથી રાજ્યના 15 થી 17 લાખ યુવાનો બેરોજગાર બેઠા છે. ત્યારે જે ભરતીમાં માત્ર નિમણૂક આપવાની બાકી છે, તે ભરવામાં આવે તેવુ જણાવવામાં આવ્યું હતું. જે પરીક્ષા થઈ ગઈ છે તેના પરિણામો જાહેર કરવામાં આવે. તેમજ જે ભરતી પ્રક્રિયાની પરીક્ષા બાકી હોય તેની સત્વરે તારીખ જાહેર કરવામાં આવે તેમજ સરકાર દ્વારા 1/8/18 ના જી.આર. નુ બંધારણીય રીતે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી હતી.
ઉમેદવારોની રજૂઆતને સરકાર દ્વારા યોગ્ય ન્યાય નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં શિક્ષિત બેરોજગાર યુવાનો ગાંધીનગરમાં ગાંધીચીંધ્યા માર્ગે આંનદોલન કરશે તેવી ચીમકી આપી હતી.