પાટણઃ શ્રમજીવી સોસાયટી વિસ્તારમાં નગરપાલિકાની માલિકીની જગ્યામાં રસ્તા પૈકીના દબાણો દૂર કરવા પાલિકા દ્વારા દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવતા બિનઅધિકૃત રીતે બાંધકામ કરીને રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યારે પાલિકાની નોટિસને લઇ આ વિસ્તારના રહીશોએ ચોમાસાની ઋતુ અને હાલમાં કોરોના મહામારીને લઇ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ સાથે નગરપાલિકા પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી હતી.
શ્રમજીવી વિસ્તારના રહીશોએ નગર પાલિકા ખાતે આવી પાલિકા પ્રમુખને લેખિતમા રજૂઆત કરી જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી આ જગ્યા ઉપર વસવાટ કરીએ છીએ. ત્યારે હાલમાં કોરોના મહામારીને કારણે અહીંના લોકોની આર્થિક પરિસ્થિતિ પણ વિકટ છે. તેમજ ચોમાસાની ઋતુ પણ સામે છે, ત્યારે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે પ્લોટ તેમજ મકાન બનાવવાની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માગ કરી હતી.