પાટણ: રાધનપુરના વડપાસર તળાવને પાણી પહોંચાડતી કેનાલ નજીક આવેલા નર્સરી વિસ્તારમાં 15 દિવસથી પાણી ભરાયેલા છે. જેથી અહીં રહેતા 50 જેટલા પરિવારોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આ વિસ્તારમાં ભરાયેલા પાણીના નિકાલની તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવતા મોટાભાગના લોકો રસ્તા ઉપર રહેવા મજબૂર બન્યા છે.
વરસાદી પાણી અને તળાવના વધારાના પાણીના નિકાલ માટે ગટરની કામગીરી ગત 5 વર્ષથી ગોકળ ગતિએ ચાલી રહી છે. હજૂ સુધી આ કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. આ ઉપરાંત પાણીના નિકાલ માટે આ વિસ્તારના નગરસેવકે પ્રાંત અધિકારીને રજૂઆત પણ કરી છે, પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસર આ બાબતે આંખ આડા કાન કરતા હોવાનું લાગી રહ્યું છે.