- માતાજી સમીપ શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપન તથા જવારાવાવવાની વિધિ કરાઈ
- શ્રદ્ધાળુઓએ માતાજીના મુખારવિંદના દર્શન કરી ધન્યતા અનુભવી
- માતાજીને દરરોજ નવીન વસ્ત્રો અને હીરાજડિત અલંકારોથી શણગાર કરાશે
પાટણ: સોલંકી વંશના ચક્રવતી સમ્રાટ સિદ્ધરાજ જયસિંહના સમયમાં સ્થાપિત કરાયેલા મંદિરમાં કાલિકા માતા કિલ્લામાંથી સ્વયંભૂ પ્રગટ થયા હતા. જેને લઇ શ્રદ્ધાળુઓ માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. નગર દેવીના મંદિરે ચૈત્રી અને શારદીય નવરાત્રિ મહોત્સવની ધામધૂમપૂર્વક ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવે છે. ગુરુવારે નવરાત્રિના પ્રથમ દિવસે મા કાલિકા સમીપ શુભ મુહૂર્તમાં વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન તથા જવારા વાવવાની વિધિ કરી નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે માતાના ઘટ સ્થાપન તેમજ માતાજીના મુખારવિંદના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી. આ મંદિરમાં કાલીકામા સાથે માતા ભદ્રકાળી અને ક્ષેમકરી માતા પણ બિરાજમાન હોઈ શ્રદ્ધાળુઓને એક સાથે ત્રણ દેવીઓના દર્શન કરવાનો લ્હાવો મળે છે.
આ પણ વાંચો: કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય, કોરોના ગાઇડલાઇન સાથે 400 લોકોને ગરબા રમવા માટે અપાઇ મંજૂરી
દુર્ગાષ્ટમીએ માતાજીની પાલખી યાત્રા નીકળશે
નગરદેવી શ્રી કાલિકા માતાના પૂજારી અશોક વ્યાસે જણાવ્યું હતું કે, નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતાજીને નીત નવા વસ્ત્રો તેમજ રત્નજડિત અલંકારોથી માતાજીનો શણગાર કરવામાં આવશે. તેમજ વિવિધ દેશ- વિદેશના ફૂલોની આંગી કરવામાં આવશે. રોજ સવારે માતાજીની શ્રુંગાર આરતી અને સાંજે સાત વાગ્યે સાંજે આરતી થશે. 13 ઓક્ટોબરના રોજ દુર્ગાષ્ટમીએ માતાજીની પાલખી યાત્રા નિજ મંદિરથી નીકળી શહેરના વિવિધ માર્ગો પર ફરશે. તેમજ રાત્રે દસ વાગે માતાજી સન્મુખ યજ્ઞ કરવામાં આવશે અને રાત્રે સંધિ પૂજા કરાશે.
આ પણ વાંચો: જૂનાગઢના પ્રાચીન ગરબા આયોજકોએ સરકાર પાસે ગાઈડલાઈન સાથે ગરબા આયોજનની મંજૂરીની માગ કરી