વલસાડ: વલસાડ શહેરના ભાગડાવાડા વિસ્તારમાં આવેલી સાયન્સ કોલેજની પાછળના ભાગમાં આવેલી એક અવાવરું જગ્યામાં ત્રણ અલગ-અલગ ભાગોમાં વિખરાઈને પડેલા નર કંકાલ દેખાઈ આવતા ક્રિકેટ રમી રહેલા બાળકો ગભરાઈ ગયા હતા. તેમજ આ ઘટનાની જાણકારી સરપંચને આપી હતી. જે બાદ પોલીસ સ્થળ પર પહોચી હતી.
ક્રિકેટ રમતા બાળકોનો બોલ ત્યાં પહોચ્યોને ઘટનાની જાણ થઈ: વલસાડ શહેરના ભાગડાવાળા વિસ્તારની એક સોસાયટીના બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા, ત્યારે ક્રિકેટ રમતા રમતા તેમનો બોલ અવાવરું જગ્યામાં પહોચી ગયો હતો. બાદમાં એક બાળક બોલની શોધખોળ માટે તે જગ્યા પર પહોંચ્યો તો સ્થળ ઉપર ખોપડી અને હાંડકા અનેક સ્થળ ઉપર પડેલા જણાઈ આવ્યા હતા. જેને પગલે બાળકો ડરી ગયા હતા. ઘટના અંગે સ્થાનિક અગ્રણીને જાણ કરવામાં આવી હતી. જે બાદ સ્થાનિકો એ સ્થળ પર પહોંચીને તપાસ કરતા હકીકતમાં સ્થળ પર હાંડકા પડ્યા હતા. જેને પગલે ગામના સરપંચને જાણકારી આપવામાં આવી હતી
ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી: સરપંચ દ્વારા સ્થળ પર પહોંચી તમામ હકીકતની નિરીક્ષણ કર્યા બાદ વલસાડ પોલીસને જાણકારી આપી હતી. જેને પગલે વલસાડ સીટી પોલીસ પણ સાયન્સ કોલેજની પાછળ આવેલા નવીનગરી ક્ષેત્રમાં પહોંચી નિરીક્ષણ કર્યું હતું. જેમાં પ્રાથમિક ધોરણે મળી આવેલા હાંડકા દોઢ મહિના પેહલાના હોવાનું જણાઈ આવતું હતું. પોલીસે ઘટના સ્થળે FSLને બોલાવીનેે તમામ હાંડકાઓ તપાસ માટે મોકલ્યા છે.
દોઢ માસમાં સ્થાનિક કક્ષાએ કોઈ મિસિંગ પણ નથી: સ્થાનિક સરપંચ અને પોલીસના જણાવ્યા અનુસાર જ્યાંથી હાડ પિંજર મળ્યું છે, એ સ્થળેથી એક દોઢ માસમાં કોઈ મિસિંગ થયું હોય એવું પણ કોઈ ધ્યાને આવ્યું નથી. જેથી પોલીસ માટે હાડ પિંજર કોનું છે એ તપાસનો વિષય બન્યો છે. વળી પોલીસે આસપાસના લોકોના નિવેદન લઇને તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે.
હાલ તો પોલીસે છુટા છવાયા મળેલા હાડકા અંગે તેની હત્યા થઇ કે કુદરતી મરણ કે પછી આ હાડકા અહીં કોઈ પધરાવી ગયું જેવા અનેક સવાલો વચ્ચે તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે.
આ પણ વાંચો: