પાટણ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા આત્મનિર્ભર અભિયાનના પગલે પ્રમાણમાં ઓછું શિક્ષણ ધરાવતા વનબંધુ સમાજના લોકોને અન્ય કોઈની સહાયતા વગર સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તે માટે અનુસુચિત જનજાતિ (આદિવાસી) આત્મનિર્ભર સમિતિની રચના કરવામાં આવી હતી.
પાટણ શહેરમાં આગામી સમયમાં આદિજાતિ વસ્તી ધરાવતા વિસ્તારોમાં વિવિધ 20 જેટલી અનુસુચિત જનજાતિ (આદિવાસી) આત્મનિર્ભર સમિતિની રચના કરવામાં આવશે. મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વનબંધુ સમાજના કલ્યાણ માટે અમલી અનેકવિધ યોજનાઓનો લાભ સમાજના લોકો સુધી પહોંચે તે માટે જિલ્લા વહિવટી તંત્ર કટીબદ્ધ છે. સાથે જ આ સમિતિ અપેક્ષિત લાભાર્થીઓ અને વહિવટી તંત્ર વચ્ચે કડીરૂપ બનશે. જેથી સમાજના લોકો વિવિધ યોજનાઓનો બહોળા પ્રમાણમાં લાભ લઈ શકે.