- પૂરતા સભ્યો ન હોવાને કારણે કોર્ટ બેઠક મુલતવી રહી
- બેઠકમાં 76માંથી 22 સભ્યો રહ્યાં હાજર
- કોરમ માટે 30 સભ્યો જરૂરી
- ગુણ સુધારણા કૌભાંડની દેખાઈ અસર
- સરકારના નોમિનેટ 8માંથી બે સભ્યો હાજર
પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે દર વર્ષે યુનિવર્સિટીની કોર્ટની બેઠક મળે છે. જેમાં યુનિવર્સિટીના વિકાસલક્ષી કામોની ચર્ચાઓ કરી બજેટ મંજૂર કરવામાં આવે છે, ત્યારે શુક્રવારે યુનિવર્સિટીના રંગ ભવન ખાતે કુલપતિના અધ્યક્ષ સ્થાને કોર્ટની બેઠક મળી હતી. આ બેઠકમાં કુલ સભ્યોમાંથી 22 સભ્યો હાજર રહ્યાં હતા. બેઠક શરૂ કરવા માટે 30 સભ્યોનું કોરમ ન થતાં આ બેઠક યુનિવર્સિટીના કુલપતિ દ્વારા મુલતવી રાખવામાં આવી હતી. સરકારના નોમિનેટ આઠ સભ્યોમાંથી બે જ સભ્યો હાજર રહેતા ગુણ સુધારણા કૌભાંડની અસર દેખાઈ હતી.
આગામી સમયમાં રાજ્યપાલ દ્વારા આ બેઠક માટે સમય નક્કી કરાશે
યુનિવર્સિટી કોર્ટની બેઠકમાં ચાલુ વર્ષના હિસાબો મંજૂર કરવાની સાથે આવનારા વર્ષના બજેટ મંજૂર કરવાની કાર્યવાહી કરવામાં આવનારી હતી. પરંતુ પૂરતા સભ્યો હાજર ન રહેતા બેઠક મુલતવી રાખવામાં આવી હોવાનું કુલપતિએ જણાવ્યું હતું અને આગામી સમયમાં રાજ્યપાલ દ્વારા આ બેઠક માટે સમય નક્કી કર્યા બાદ જાહેર કરાશે.