પાટણ: સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે આજે ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી.જેમાં રાજવી પરિવારો નગરપાલિકાના કર્મચારીઓ અને રાજપૂત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા.
કરતબો બતાવ્યા: પાટણ નગરીનો 1277 મો સ્થાપના દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો.નગર દેવી કાલિકા માતાના મંદિરે પૂજા અર્ચના અને આરતી કર્યા બાદ નિજ મંદિરથી શોભાયાત્રાને રાજવી પરિવારોને જિલ્લા વિકાસ અધિકારીએ ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.સિદ્ધરાજ જયસિંહના કુકડ ધ્વજ સાથે ઘોડેસવાર રાજપૂત આગેવાનો શોભાયાત્રામા જોડાયા હતા. શોભાયાત્રામાં ભાજપના આગેવાનો કાર્યકરો અને નગરપાલિકા ચૂંટાયેલા સભ્યો માથે સાફા બાંધી શોભાયાત્રામાં જોડાતા લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.શોભાયાત્રામાં નગરસેવકો વ્યાપારીઓ વિવિધ સમાજના અગ્રણીઓ વિવિધ સંસ્થાના લોકો અને શહેરીજનો જોડાયા હતા તેમ જ બેન્ડવાજા બે ડીજે તેમજ જૈન સમાજ સહિત વિવિધ શાળાઓના ટેબ્લેટ 15 ઘોડે સવાર સહિત નગરપાલિકા ફાયર વિભાગના બે બુલેટ સહિત રાજપૂત સમાજના યુવાનો જોડાયા હતા
ઘોડેસવારીના કરતબ: રાજપૂત યુવાનોએ શોભાયાત્રા ના માર્ગો પર તલવારબાજી અને ઘોડેસવારીના કરતબ બતાવ્યા હતા. તો નગરજનો દ્વારા ઠેરઠેર વિવિધ સ્ટેટના રાજવીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં સિદી ધમાલ નૃત્ય, આદિવાસી ગરાસીયા નૃત્યએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. યાત્રા બગવાડા દરવાજે પહોંચતા રાજપૂત આગેવાનો અને પાટણના અગ્રણીઓએ વનરાજ ચાવડાના તૈલ ચિત્રને અને સિદ્ધરાજ જયસિંહની પ્રતિમાને માલ્યાર્પણ કરી પાટણની પ્રભુતા કાયમ રહો ના નારા લગાવ્યા હતા.નગર દેવી ના મંદિરેથી નીકળેલી આ યાત્રા પ્રગતિ મેદાન સ્થિત અભિવાદન સમારોહ સ્થળે પહોંચી હતી જ્યાં મહાનુભવોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો Foundation Day Patan: ઐતિહાસિક પાટણ નગરી 665 વર્ષ સુધી ગુજરાતની રાજધાની રહ્યો
સૌને સાથે મળીને: બગવાડા દરવાજા ખાતે યોજાયેલ જાહેર સભામાં નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડે ઐતિહાસિક પાટણ જિલ્લાના આગામી સમય થનાર વિકાસની રૂપરેખા રજૂ કરી હતી. તેમજ આગામી વર્ષે આનાથી પણ વધુ સારો કાર્યક્રમ થાય તે દિશામાં સૌને સાથે મળીને કામ કરવા અપીલ કરી હતી. તો અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના અધ્યક્ષ દિપક ઝાલાએ જણાવ્યું હતું કે આ સમગ્ર પાટણ નગરનો ઉત્સવ છે તેમાં જોડાવા બદલ સૌ પાટણવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજસ્થાનના રાજવી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પાટણમાં અમારા પૂર્વજો રાજ કરતા હતા આ નગરીની પ્રભુતાને ઉજાગર કરવા બદલ સૌ પાટણવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.