લોકશાહીના મહાપર્વ એવી ચૂંટણીને લઈને હાલમાં સમગ્ર દેશમાં રાજકીય માહોલ ઠેરઠેર જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આ મહાપર્વમાં લોકો મુક્ત રીતે પોતાના મતનો ઉપયોગ કરી શકે તે માટે સરકાર દ્વારા અનેક કાર્યક્રમો કરીને લોકોને મતદાન કરવા જાગૃત કરે છે. ત્યારે પાટણની કેન્દ્રીય વિદ્યાલય અને કે.કે.ગલ્સ હાઈસ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામા આવ્યું હતું.
રેલીને નિવાસી કલેક્ટર બી.જી.પ્રજાપતિએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. રેલીમાં વિદ્યાર્થીઓએ વિવિધ બેનરો તેમજ સુત્રોચ્ચારો કરી શહેરના વિવિધ માર્ગો પર ફરી નગરજનોને ચોક્કસ મતદાન કરવા માટે જાગૃત કર્યા હતા.
આ રેલીમાં જિલ્લા શિક્ષણાધિકારી એ.પી.ઝાલા, કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય રામવીર મીના, મધુબેન દેસાઈ, સહિત શાળા પરિવારના શિક્ષકો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.