- કોરોના ગાઇડલાઇન મુજબ ઉત્તરાયણ પર્વ ઉજવવા જિલ્લા પોલીસ અધિક્ષકની અપીલ
- ધાબા ઉપર ડીજે વગાડવા પર પ્રતિબંધ
- ફ્લેટના ધાબા ઉપર એકીસાથે વધુ વ્યક્તિઓ ભેગા નહીં થઈ શકે
- ડ્રોન કેમેરાથી ધાબાઓની સ્થિતિ ઉપર રખાશે ચાંપતી નજર
પાટણ : જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાએ ઉત્તરાયણ પૂર્વે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, સરકારનાં જાહેરનામા પ્રમાણે આ વર્ષે ઉત્તરાયણના દિવસે પતંગ રસિકો પોતાના ધાબા ઉપર ડીજે જેવા વાજિંત્રો વગાડી શકશે નહીં. જે તે ધાબા પર માત્ર પરિવારજનો જ પતંગ ઉડાવી શકશે. જાહેર જગ્યાઓ પર ભીડ સાથે તેમજ ફ્લેટના ધાબા ઉપર એકી સાથે તમામ પરિવારોને પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફ્લેટના ધાબા ઉપર વધુ ભીડ જોવા મળશે તો ચેરમેન સેક્રેટરીને જવાબદાર ગણી તેમની સામે ગુનો નોંધવામાં આવશે.
જાહેરનામાનો ચુસ્ત અમલ થાય તે માટે પોલીસે બનાવી છે અલગ અલગ ટીમો
ઉત્તરાયણ સંબધે બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો અમલ થાય તે માટે શહેર સહિત જિલ્લાના વિવિધ પોલીસ મથકોના પીઆઇ, પીએસઆઇ, કોન્સ્ટેબલ અને લોકરક્ષકો સાથેની ત્રણ થી ચાર અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. જે સતત પેટ્રોલિંગ કરશે આ ઉપરાંત ડ્રોન કેમેરા ઉડાવી જે તે મકાનના ધાબાની સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવશે.