પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની ભારે અછત સર્જાઈ છે. ગામે ગામ ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે તેવામાં પાટણ શહેરમાં લોકોને પાણી તો મળી જાય છે પરંતુ દુષિત. જેને લઈ શહેરમાં અનેક વિસ્તારોમાં દુષિત પાણીને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પાટણમાં આવેલા વોર્ડ નંબર-8માં આવતા સોનીવાડા વિસ્તારમાં લોકોને ગટરનું દુષિત પાણી મળે છે. તો આ સાથે જ ટાંકવાડા વિસ્તારમાં પણ દુષિત અને દુર્ગંધયુક્ત પાણી નગરપાલિકા દ્વારા આપવામાં આવી રહ્યું છે. જેને લઈને કેટલાક લોકોને સ્વાસ્થ્યની તકલીફ પણ પડી રહી છે. આ બાબતની જાણ થતાંની સાથે જ આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ઘરે ઘરે જઈને પાણીના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઇ છે.
જો કે, તપાસ દરમિયાન બીજો પણ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે, જે પાણી પીવા માટે આપવામાં આવતું હતું. તે કલોરીનેશન કર્યા વગર જ આપવામાં આવતું હતું. આ પાણીથી લોકોના આરોગ્ય સામે પણ ખતરો છે.
પાટણમાં લોકોને દુષિત પાણી મળવાથી લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. જેના પગલે પાલિકા પ્રમુખ દ્વારા જે વિસ્તારમાં પાણીના સમસ્યા સર્જાય છે. તેવા વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે મુલાકાત દરમિયાન કબુલાત કરી હતી કે, અમુક વિસ્તારોમાં ગટરની સમયસર સફાઈ નથી થઇ રહી. તો આ સાથે જ પીવાના પાણીની પાઈપ લીકેજ હોવાથી એવી જગ્યાઓથી દુષિત પાણીનું મિશ્રણ થવાની શંકા વ્યક્ત કરી હતી.
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકોને પીવા લાયક પાણી નથી મળી રહ્યું. જેથી લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો.