રાધનપુરઃ પાટણ જિલ્લાના રાધનપુરમાંથી સ્થાનિક ચહેરાને ટિકિટ આપવા માટેની માંગ પ્રબળ બની રહી છે. રાધનપુરમાં ભાજપના આગેવાન તરફથી દરેક સમાજના લોકોનું સંમેલન યોજાયું હતું. જેમાં રાધનપુરની પ્રજાએ માંગ કરી હતી કે, સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપીને ચૂંટણીમાં ઊતારવામાં આવે. જોકે, આ મામલે ભાજપે કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. ચૂંટણી નજીક આવતા સ્થાનિક સ્તરે મજબુતી માટે પક્ષો કામ કરી રહ્યા છે. પણ રાધનપુરમાં સ્થાનિક ચહેરને પ્રાધાન્ય મળે એવું પ્રજા ઈચ્છે છે.
ચિમકી ઉચ્ચારીઃ કોરડા ગામે યોજાયેલા સંમેલનમાં જુદા જુદા સમાજના આગેવાનો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમની સર્વાનું મતે એવી માંગ હતી કે, રાધનપુરમાંથી કોઈ સ્થાનિક ઉમેદવારને નેતૃત્વની જવાબદારી મળે. એટલું જ નહીં ટિકિટ મળે તો પણ એને સ્થાનિકનો ટેકો મળશે. સ્થાનિકોની લોખંડી ઈચ્છા એવી હતી કે, જો સ્થાનિક ચહેરાને ટિકિટ નહીં મળે તો બીજા પ્રદેશથી રાધનપુરમાં જીતવા માટે આવતા ઉમેદવારને પ્રજા સાથ નહીં આપે. આવા બહારના પ્રાંતના ઉમેદવારને પ્રજા ધોબી પછડાટ આપીને હરાવશે.
ઠાકોરનો વિરોધઃ પાટણ જિલ્લાના તાલુકાઓમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ પડઘાઈ રહ્યા છે. રાધનપુરમાં કોંગ્રેસ બાદ ભાજપના આગેવાનો સ્થાનિક ઉમેદવારને સ્થાન મળે એવું ઈચ્છી રહ્યા છે. આ કાર્યક્રમની સૌથી ખાસ વાત એ હતી કે, સ્થાનિકોએ અલ્પેશ ઠાકોરનો વિરોધ કર્યો હતો. જોકે, આ જ વર્ષે મે મહિનામાં અલ્પેશ ઠાકોરે એવું એલાન કર્યું હતું કે, હું રાધનપુરથી જ ભાજપમાં રહીને ચૂંટણી લડવાનો છું. છેલ્લા ત્રણ વર્ષથી અહીં વિકાસ અટકી ગયો છે. જોકે, અલ્પેશ ઠોકરે વિધાનસભાની ચૂંટણીમાં પહેલા કોંગ્રેસમાંથી ઝંપલાવ્યું હતું. પછી તેમણે પક્ષપલટો કરી નાંખ્યો હતો. સામે રાધનપુરમાં સ્થાનિકોએ નારેબાજી કરી હતી.