પાટણ : અનલોક-2માં સરકારની ગાઈડલાઈન મુજબ તમામ બજારો નિયમોને આધીન ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. તેમજ વાહન વ્યવહાર પણ ચાલુ થયો હોવાથી લોકોની અવરજવર વધી છે. જેને કારણે શહેરમાં દિનપ્રતિદિન કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે અને લોકો ચિંતિત બન્યા છે.
કોરોનાને ફેલાતો અટકાવવા કલેક્ટરે ફેસ ઉપર માસ્ક ફરજિયાત, સામાજિક અંતર જાળવવા માટેનું જાહેરનામું અમલી કર્યું છે. તેમ છતાં પણ લોકો કોઈપણ જાતના ડર વિના બિન્દાસ માસ્ક વગર બજારોમાં ફરી રહ્યા છે, ત્યારે પોલીસે આવા લોકો સામે લાલ આંખ કરી દંડકીય કાર્યવાહી હાથ ધરી છે.
પાટણમાં લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મંગળવારે સ્પેશિયલ ડ્રાઇવ યોજી હતી. જેમાં શહેરના બગવાડા દરવાજાથી ત્રણ દરવાજા સુધીના મુખ્ય માર્ગની બંને બાજુએ પોલીસના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને વેપારીઓ તેમજ રાહદારીઓને માસ્ક પહેરવાની સૂચનાઓ આપી હતી. તો સાથે જ માસ્ક ન પહેરનાર વેપારીઓ, દુકાનદારો તેમજ રાહદારીઓ સામે પોલીસે દંડકીય કાર્યવાહી પણ કરી હતી.