પાટણ : શહેર સહિત જિલ્લામાં બે દિવસથી બદલાયેલા વાતાવરણ બાદ આજે બપોરના સમયે ભર ઉનાળે ચોમાસુ જામ્યું હોય તેમ વિજળીના તેજ ચમકારા અને મેઘગર્જના સાથે વરસાદ પડયો હતો. તે દરમિયાન સાંજના સુમારે વિશ્વફલક પર ચમકેલા ઐતિહાસિક રાણીની વાવ પરિસરમાં તેજ લિસોટા સાથે બનાસકાંઠા જિલ્લાના ગઢ મડાણા ગામના ચાર પ્રવાસી મિત્રો પર વીજળી ત્રાટકતા એકનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય એકને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તો અન્ય બે મિત્રોનો આબાદ બચાવ થયો હતો.
રાણીની વાવમાં યુવક પર વીજળી પડી : બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલ ગઢ મડાણા ગામના ચાર મિત્રો પોતાનું વાહન લઇને પાટણ ખાતે સ્કિન સ્પેશ્યાલીસ્ટ તબીબ પાસે સારવાર અર્થે આવ્યા હતા. તબીબે સાંજે 5 કલાક બાદ આવવાનું કહેતા આ ચારે મિત્રો વરસાદી વાતાવરણ વચ્ચે ઐતિહાસિક રાણીની વાવમાં ફરવા ગયા હતા. એકાએક વરસાદનું જોર વધતાં આ ચારેય મિત્રો એક ઝાડ નીચે ઉભા રહ્યા હતા. તે સમયે જોરદાર મેઘગર્જના સાથે તેજ લિસોટા સાથે વીજળી પડી હતી. આંખના પલકારામાં ચાર મિત્રો પૈકી સંદીપ જગદીશ પ્રજાપતિ અને મેવાડા રોહિત બંસીલાલ ઝાટકા સાથે જમીન પર પટકાયા હતા. જ્યારે અન્ય બે મિત્રો પ્રજાપતિ ગૌરવ જયેશ અને પરમાર ધવલનો ચમત્કારિક બચાવ થયો હતો.
આ પણ વાંચો : Gujarat Weather Update : ખેડૂતો ધ્યાન આપો, ફરી એકવાર રાજ્યમાં વરસાદની આગાહી
રાણીની વાવમાં દોડધામ મચી : વીજ કડાકાનો જોરદાર અવાજ અને દુર્ઘટનાની જાણ થતા રાણીની વાવમાં ફરજ બજાવતા કર્મચારીઓ, પર્યટકો અને અન્ય શહેરીજનો ઘટના સ્થળે દોડી ગયા હતા. 108 બોલાવી ઇજાગ્રસ્ત બંને મિત્રોને તાત્કાલિક પાટણની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જયાં ફરજ પરના તબીબે સંદીપ જગદીશ પ્રજાપતિને મૃત જાહેર કર્યો હતો. કહેવાય છે કે, વીજળી સંદીપના મોબાઇલ ફોનને ટચ કરી તેના શરીરમાં પ્રવેશતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. મેવાડા રોહિત બંસીલાલને ગંભીર હાલતમાં પાટણની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. બનાવને પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ઐતિહાસિક રાણીની વાવ પરીસરમાં બનેલી આ દુર્ઘટનાને પગલે ભારે હલચલ મચી છે.
આ પણ વાંચો : Banaskantha News : ચોમાસાની આગોતરી તૈયારીઓ માટે કલેક્ટરની બેઠક, જરૂરી પગલાઓને લઈને આપી સૂચના
રાણીની વાવમાં વીજળી સમન યંત્ર નથી : ઉલ્લેખનીય છે કે, વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ ખાતે વર્ષે દહાડે દેશ અને વિદેશમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે. ચોમાસા દરમિયાન પણ અહીંયા પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળે છે, પરંતુ દુઃખની વાત તો એ છે કે રાણીની વાવ પરિસરમાં ચોમાસા દરમિયાન જે મેઘગર્જના અને વીજળીના કડાકા ભડાકાને રોકવા માટે જે વીજળી સમાન યંત્ર હોય છે. તે અહીંયા મૂકવામાં આવ્યું નથી. પર્યટકો પાસેથી ટિકિટના દર વસૂલ કરવામાં આવે છે પણ પ્રવાસીઓની સુવિધા માટે અહીંયા કોઈ આવા સાધનો ઉપલબ્ધ નથી. વીજળી પડવાની આજની દુર્ઘટનામાં મૃતક ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનો રહેવાસી હતો. જો કોઈ વિદેશી પર્યટક હોત તો અને આવી દુર્ઘટના સર્જાઈ હોત તો કેવી પરિસ્થિતિ સર્જાઈ હોત તેને લઈને શહેરીજનોમાં અનેક ચર્ચાઓ જાગી છે.