પાટણઃ ગુજરાતમાં દારૂબંધી છતાં અનેક વખત દારૂ ઝડપાવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આ વખતે રાજસ્થાનથી ગુજરાતમાં આવતો દારૂ પાટણ પોલીસે ઝડપી પાડ્યો હતો. સાંતલપુર પીપરાણા ચેકપોસ્ટ નજીકથી આવી રહેલી એમ્બુલન્સ વાનને પોલીસે અટકાવી તેની તપાસ કરી હતી. તે દરમિયાન વાનના ચોરખાનામાંથી 2,62,000 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ત્યારે પોલીસે ચાલક સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, પોલીસની નાકાબંધી જોઈને એમ્બુલન્સચાલક એમ્બ્યુલન્સ છોડી ભાગવામાં સફળ રહ્યો હતો.
આ પણ વાંચોઃ Surat Crime: દારૂની હેરાફેરી કરનારી પૂર્વ કોંગી નેતા મેઘના પટેલની ધરપકડ, 10 લાખનો મુદ્દામાલ કબજે
દારૂ ગુસાડવા નવો કીમિયોઃ સમગ્ર ગુજરાત રાજ્યમાં ચુસ્તપણે દારૂબંધીનો અમલ થાય તે માટેની પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને બાતમી આધારે વિવિધ સ્થળો ઉપર રેડ કરી બુટલેગરો સામે ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ રાજસ્થાનથી ગુજરાતમાં યેનકેન પ્રકારે દારૂ ઘૂસેડવા માટે બુટલેગરો અને ખેપિયાઓ દ્વારા અવનવા નુસખા અપનાવવામાં આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનમાંથી એમ્બ્યુલન્સ મારફતે પાટણ જિલ્લામાં દારૂ ઘુસાડવાની ઘટના સામે આવી છે.
પોલીસનું સઘન પેટ્રોલિંગઃ જિલ્લામાં દારૂ જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને દૂર કરવા પોલીસે પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે. ત્યારે સાંતલપુર પીએસઆઈ એ. વી. ચૌધરી સહિતના સ્ટાફના કર્મચારીઓ સાંતલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે, રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી એક એમ્બુલન્સમાં મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે, જેથી સાંતલપુર પોલીસે પીપરાળા ચેકપોસ્ટ નજીક નાકાબંધી કરી તમામ વાહનોની સઘન તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન પોલીસ ચેકિંગ જોઈને એમ્બુલન્સચાલક એમ્બ્યુલન્સ સ્થળ ઉપર મૂકી ફરાર થઈ ગયો હતો.
9.62 લાખનો મુદ્દામાલ કબજેઃ પીપરાણા ચેકપોસ્ટ નજીક બિનવારસી હાલતમાં પડી રહેલી રાજસ્થાન પાસીંગની એમ્બુલન્સ ગાડી નંબર RJ.11.PA.3640ની પોલીસે ચકાસણી કરી હતી. તે દરમિયાન એમ્બુલન્સ વાહનમાં કેબીનના ભાગે ડ્રાઇવર-કંડક્ટર શીટની પાછળ બનાવેલા ચોરખાનાની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ 95, બોટલ નંગ 1140 કિંમત રૂપિયા 2,62,200 રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો. આ સાથે જ પોલીસે કુલ 9,62,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે સાંતલપુર પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Rajkot Crime : રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી 3 પેટી વિદેશી દારૂ ઝડપાયો
પોલીસે શરૂ કરી તપાસઃ સાંતલપુર પીએસઆઈ એ. વી. ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, નાકાબંધી અને વાહન ચેકિંગ દરમિયાન પોલીસે પીપરાળા ચેકપોસ્ટ નજીકથી એમ્બુલન્સમાંથી વિદેશી દારૂ ઝડપ્યો છે. જોકે, પોલીસ નાકાબંધી જોઈને એમ્બુલન્સનો ચાલક એમ્બુલન્સ મૂકી ફરાર થયો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ દારૂ ક્યાંથી આવ્યો હતો અને ક્યાં જવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.