સુરત: રાજ્ય સહિત સુરત જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા. ત્યારે સુરત જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના માંગરોળ તાલુકાના નંદાવ પાટિયા નજીક વલસાડથી ડાકોર જઈ રહેલી લકઝરી બસને અકસ્માત નડ્યો હતો.
5 જેટલા લોકોને ઈજા: આ અકસ્માતની ઘટનામાં લક્ઝરી બસના ચાલક સહિત 5 જેટલા લોકોને ઈજાઓ થતા તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે હાઈવે પર હળવો ટ્રાફિક જામ પણ સર્જાય ગયો હતો.
વલસાડ થી ડાકોર જઈ રહી હતી બસ: સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર માંગરોળ તાલુકાના નંદાવ ગામના પાટિયા પાસે વલસાડ થી ડાકોર જઈ રહેલી લકઝરી બસ અજાણ્યા વાહન પાછળ ઘુસી ગઈ હતી. જેને લઇને લકઝરીના કેબિનના ભાગને મોટું નુકશાન થયું હતું.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા: ધડાકાભેર ટક્કરને પગલે લક્ઝરી બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટનાને પગલે સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAI વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્ત લક્ઝરી બસના ચાલક સહિત 5 જેટલા લોકોને તુરત 108 એમ્બ્યુલન્સની મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે નેશનલ હાઇવે પર સર્જાયેલા હળવા ટ્રાફિક જામને પહોંચી વળવા માટે પોલીસે વાહન સાઈડમાં કરીને હાઈવે ખુલ્લો કરાવ્યો હતો.