પાટણઃ સાંતલપુર તાલુકાની રોઝુ નર્મદા માઈનોર કેનાલ વારંવાર તુટતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કેનાલમાંથી સિંચાઈનું પાણી નિયમીત મળવું તો દૂર રહ્યું પણ જ્યારે પાણી છોડાય છે ત્યારે કેનાલ તુટી પડે છે અને પાણી આસપાસના ત્રણ ગામોના ખેતરોમાં ફરી વળે છે. આ પાણીને લીધે રવિપાકને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોએ આ તુટેલી કેનાલમાં ઉતરીને વિરોધ નોંધાવ્યો છે.
ખેડૂતોને બેવડો મારઃ સાંતલપુર તાલુકાના રોઝુ, મઢુત્રા અને પીપરાળા ગામના ખેડૂતો અત્યારે બેવડો માર સહન કરી રહ્યા છે. જેનું મુખ્ય કારણ છે આ ગામોમાંથી પસાર થતી નર્મદાની માઈનોર કેનાલ. આ કેનાલમાં જેવું પાણી છોડવામાં આવે કે તરત જ કેનાલ તુટી જાય છે. કેનાલ તુટતા તેમાં રહેલું પાણી આસપાસના ગામોના ખેતરોમાં પાણી ફરી વળે છે. જેનાથી ખેડૂતોને રવિપાકમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
એક મહિનામાં ત્રણ વાર તુટી કેનાલઃ આ કેનાલના બનવાથી ખેડૂતોએ નિયમીત સિંચાઈ મળવાના સપના સેવ્યા હતા. જો કે હકીકત કંઈક જુદી જ સામે આવી છે. આ માઈનોર કેનાલ મહિનામાં ત્રણ વાર તુટી છે. નર્મદા સિંચાઈ વિભાગને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પણ આ રજૂઆતોનું કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. ખેડૂતોએ આ નર્મદા માયનોર કેનાલના નિર્માણમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદો પણ થઈ છે. વિભાગ કોન્ટ્રાક્ટર્સને છાવરતો હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. કોન્ટ્રાક્ટર્સ ગુણવત્તા વગરના માલસામાન વાપરીને કેનાલને રીપેર કરી દે છે. જો કે ત્યારબાદ પરિસ્થિતિ ઠેરની ઠેર જ રહે છે.
કેનાલમાં પાણી છોડવામાં આવે ત્યારે કેનાલમાં હંમેશા ભંગાણ પડે છે. આ તુટેલી કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળે છે. જેથી ત્રણ ગામના ખેડૂતોના રવિ પાકને નુકસાન થઈ રહ્યું છે. અનેક રજૂઆતો કરવા છતા કોઈ નક્કર પરિણામ મળતું નથી. માઈનોર કેનાલના નિર્માણમાં ખૂબ ભ્રષ્ટાચાર થયેલ છે...વિરમ આહીર(ઉપસરપંચ, મઢુત્રા, પાટણ)
ખેડૂતોએ વાવેલ હજારો એકરમાં જીરાના પાકને નુકસાન થયું છે. મઢુત્રા ગામના એક ખેડૂતના આખા ખેતરમાં પાણી ફરી વળ્યું છે. છેલ્લા 1 મહિનાની વાત કરવામાં આવે તો અનેક વાર આ કેનાલ તુટી છે. ભ્રષ્ટાચાર બંધ કરીને ગુણવત્તાયુક્ત કામ થાય તે જરુરી છે...પરીક્ષિતદાન ઝુલા(ખેડૂત, મઢુત્રા, પાટણ)
આ વિસ્તારની કેનાલું રીપેરિંગ કામ 25મી તારીખે કરવામાં આવ્યું હતું પરંતુ કમોસમી વરસાદને પરિણામે તાજુ કામ તુટી જવા પામ્યું હતું. પાણી ભરાઈ જવાને કારણે હાલ રીપેરિંગ કામમાં વિલંબ થયો છે. હવે વાતવારવણમાં ઉઘાડ નીકળ્યો છે તેથી અમે આજે રીપેરિંગ ટીમ સ્થળ પર મોકલી દીધી છે. તાત્કાલિક રીપેરિંગ કરાવીને કેનાલમાં પાણી છોડવામાં આવશે...ડી. જે. પ્રજાપતિ(નાયબ કાર્યપાલક ઈજનેર, નર્મદા વિભાગ)