પાટણ : હવામાન વિભાગની આગાહીને પગલે પાટણ શહેર સહીત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ચોમાસુ બરાબર જામ્યું છે. રવિવારે સવારે 6 વાગ્યાથી લઈ સોમવાર સવારે 6 કલાક સુધીમાં એટલે કે 24 કલાકમાં જિલ્લાના નવ તાલુકાઓમાં એક ઇંચથી લઈને સાત ઇંચ સુધીનો વરસાદ થતા જળબંબા કાળની સ્થિતિ સર્જાઈ છે. વરસાદને પગલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદી પાણી માર્ગો પર રેલાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને પગલે રાહદારીઓ અને વાહનચાલકો ભારે હાલાકીઓ વેઠવી પડી હતી.
જનજીવન પ્રભાવિત થયું : પાટણ શહેરમાં વહેલી સવારથી ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદ થતાં વરસાદી પાણી માર્ગ ઉપર રેલાતા જનજીવન પ્રભાવિત થયું હતું. સૌથી વધુ વરસાદ સાંતલપુર તાલુકામાં સાત ઇંચ થવા પામેલ છે, વરસાદને લઈને સાંતલપુર તાલુકાના નીચાણવાળા વિસ્તારો તેમજ ખેતરોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીઓ વેઠવી પડી હતી. આ સાથે પાટણના મુખ્ય પ્રવેશદાર સમા રેલવેના પ્રથમ ગરનાળામાં પાણી ભરાતા આ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થતાં લોકોને ભારે હાલાકીઓ વેઠવી પડી હતી.
ઠેર ઠેર પાણી ભરાયા : તો બીજી તરફ રાજમહેલ રોડ, કોલેજ રોડ પર બનાવવામાં આવેલા અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થતા શાળા, કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ આ માર્ગ પર ઓવરબ્રીજ બનાવવાની કામગીરીને કારણે માર્ગ સાંકડો થતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. શહેરમાં પ્રવેશવાનો માર્ગ બંધ થતા હાઇવે માર્ગ ઉપર ટ્રાફિક જામના વરવા દ્રશ્યો સર્જાયા હતા અને વાહનચાલકોને કલાકો સુધી ઉભા રહેવાની ફરજ પડી હતી.
ક્યા કેટલો વરસાદ : પાટણ શહેર સહિત જિલ્લામાં આજે વહેલી સવારથી પડેલા વરસાદી આંકડા ઉપર નજર કરીએ તો સાંતલપુરમાં 11 એમએમ,રાધનપુરમાં 21 એમએમ, સિદ્ધપુરમાં 5 એમએમ, પાટણમાં 20 એમએમ, સમીમાં 8 એમએમ,ચાણસ્મામાં 3 એમએમ, સરસ્વતી તાલુકામાં 27 એમએમ વરસાદ નોંધાયો છે જ્યારે હારીજ અને શંખેશ્વર તાલુકાઓ આજે કોરા રહ્યા હતા.