પાટણઃ કોરોના મહામારીમાં લોકડાઉન બાદ અનલોકમાં સરકાર દ્વારા તબક્કાવાર રીતે વિવિધ વ્યવસાયોને શરતોને આધીન ધંધા-રોજગાર કરવાની છૂટ આપી છે. ત્યારે હજી સુધી સંગીત ક્ષેત્રના વિવિધ પ્રોગ્રામો જેવા કે લગ્ન, બર્થ ડે પાર્ટી, લોક ડાયરાઓ બંધ છે. જેથી કલાકારો બેકાર બન્યા છે.
પાટણ શહેર સહિત જિલ્લામાં સંગીતના સુરો રેલાવી આજીવિકા મેળવતા કલાકારોની હાલત કફોડી બની છે. નવરાત્રિ દરમિયાન શેરી ગરબાઓને છૂટ મળશે તો ફરી વ્યવસાય શરૂ થશે તેવી આશા કલાકારો રાખી બેઠા હતા, પણ સરકારે ગરબા ઉપર રોક લગાવતા કલાકારોની આશા પર પાણી ફરી વળ્યું છે.
સંગીત નગરી તરીકે પ્રસિદ્ધિ પામેલ અને સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક કલાકારો બેકાર બન્યા છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે હાલમાં સંઘર્ષ કરી રહ્યા છે. આર્થિક સંક્રમણનો ભોગ બનેલા કેટલાક કલાકારોએ પોતાનો વ્યવસાય છોડી અન્ય વ્યવસાય તરફ વળ્યા છે. સરકારે ચૂંટણીની પ્રચાર માટેની છૂટી આપી છે. જ્યારે કલાકરોની આજીવિકા માટે જાહેર કાર્યક્રમો, શેરી ગરબા પર રોક લગાવતા સંગીત કલાકારોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સંગીત ક્ષેત્ર સાથે પાટણમાં છેલ્લા 30 વર્ષથી સંકળાયેલા અમરીશ ચિતરાએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું કે, અમારા કલાકારોની હાલત કફોડી બની છે. જીવન નિર્વાહ કરવા માટે આજીવિકાનું અન્ય કોઈ સાધન ન હોવાથી મજબૂરીએ પાનનો ગલ્લો કરવાની ફરજ પડી છે. ગલ્લામાં સામાન્ય આવક થાય છે. જેનાથી ઘરનું પૂરું કરવુ ખૂબ અઘરું બન્યું છે.
પાટણના પ્રસિદ્ધ જવાહર બેન્ડના કલાકારે જણાવ્યું હતું કે, છેલ્લા 8 મહિનાથી સંગીતના પ્રોગ્રામના કોઈ જ ઓર્ડર નહીં મળતા હાલત ખૂબ જ ખરાબ થઈ છે. ઘરનું ગુજરાન ચલાવવા આજીવિકાનું અન્ય કોઈ સાધન ન હોવાથી હાલમાં રિક્ષા ચલાવવાની ફરજ પડી છે.
કોરોના સંક્રમણે દેશની આર્થિક સ્થિતિની સાથે સંગીત સાથે સંકળાયેલા કલાકારોના હાલ પણ બેહાલ કર્યા છે. જેને લઇ કલાકારો આજીવીકા રળવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તો સરકારે કલાકારો માટે પણ આર્થિક પેકેજ જાહેર કરી સહાય આપવી જોઈએ અથવા સંગીતના નાના મોટા કાર્યક્રમો માટે મંજૂરી આપવી જોઈએ જેથી કલાકારો આજીવિકા મેળવી શકે.