પાટણ : પાટણના કુણઘેર ગામે સોની વેપારીની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં દાગીના પસંદ કરવાના બહાને આવેલી ચાર મહિલાઓએ 12 તોલા સોનાના દાગીનાની ચોરી કરી પલાયન થઈ હતી. આ ટોળકીને પાટણ LCB પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઇ 7 લાખ રૂપિયાના દાગીના અને એક ecco ગાડી મળી કુલ 9 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ધોળા દિવસે ચોરી : પાટણ તાલુકાના કુણઘેર ગામમાં રહેતા અને વર્ષોથી બાપદાદાનો પરંપરાગત સોના ચાંદીનો ધંધો કરતા સુબોધચંદ્ર ચીમનલાલની સોનીની દુકાન કુણઘેરમાં આવેલી છે. આ દુકાનમાં ગત 3જી જુલાઈ 2023ના રોજ બપોરના સુમારે સોની વેપારી પોતાની દુકાનમાં હતા. તે દરમિયાન ચાર મહિલાઓ તેમની દુકાનમાં આવી હતી. સોનાના દાગીના લેવાની વાત કરતા વેપારીએ સોનાના દાગીના મહિલાઓને બતાવ્યા હતા, ત્યારે મહિલાઓએ અન્ય ઘાટ અને ડિઝાઇનના દાગીનાની માંગણી કરતા વેપારી બીજા દાગીના લેવા માટે દુકાનના અન્ય રૂમમાં ગયા હતા. તે દરમિયાન મહિલાઓએ સોનાના નાના-મોટા 12 તોલાના દાગીના કિંમત રૂપિયા 7 લાખનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગઈ હતી.

પોલિસે અલગ અલગ ટીમો બનાવી : જે અંગે વેપારીએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ચોર ટોળકીને ઝડપી પાડવા માટે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકે એલસીબી અને પાટણ તાલુકા પોલીસને સૂચનાઓ આપતા એલસીબી અને તાલુકા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચોરી કરનાર આ મહિલાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
ત્રણ મહિલાઓને રાપરથી ઝડપી : આ સમગ્ર મામલામાં ખાનગી રાહે બાતમી મળી હતી કે, ચોરીને અંજામ આપનાર ત્રણ મહિલા અને ગાડી ચાલક પુરુષ કચ્છના રાપરમાં છે. તેમજ એક મહિલા હારીજ તાલુકાના સોઢવ ગામે છે. તેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ત્રણ મહિલા અને પુરુષને રાપરથી અને એક મહિલાને હારીજ તાલુકાના સોઢવ ગામેથી ઝડપી લઇ પૂછપરછ કરતા ગોમી મોહનભાઈ કોલી રહે. સોઢવ વાળીએ ચોરીની કબૂલાત કરી હતી. આ ચોરી તેણે તેની વેવાણ રાધાબેન કોલી તેમજ તેમની અન્ય બે બહેનપણીઓ અને જલાલસા શેખે સાથે મળીને કરી હોવાની કબૂલાત કરતા પોલીસે 12 તોલા વજનના સોનાના દાગીના કિંમત રૂપિયા 7,00,000 તેમજ બે લાખની ઇકો વાન ગાડી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
તાલુકા પોલીસ અને એલસીબી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી ચાર મહિલાઓ અને એક પુરુષની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી જલાલશા શેખ વિરુદ્ધ કચ્છના ગાંધીધામ અને દયાપર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગેનો ગુનો નોંધાયેલો છે. - કે.કે.પંડ્યા (હેડક્વાર્ટર Dysp)
પકડાયેલા આરોપી : રાધા છગનભાઇ કોલી (રહે.રાપર જિ.કચ્છ), જમના અજમલભાઇ કોલી (રહે.રાઇ જિ.કચ્છ) લખી ધીંગાભાઇ કોલી (રહે.સઇ જિ.કચ્છ), ગોમી મોહનભાઇ કૌલી (રહે.સોઢવ જિ. પાટણ) અને જલાલસા જુસબસા શેખ (રહે.નિલપર જિ.કચ્છ)ની અટકાયત કરી છે.