પાટણ : કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું છે કે, એસ.આર.પી.એફ.નું વર્ષ 2016/2017નું 20 ટકા વેટિંગ લિસ્ટ આપવામાં આવ્યુ હતું.આ વેટિંગ લિસ્ટને આજ દિન સુધી ઓપરેટ કરવામાં આવ્યું નથી. આ લિસ્ટમાં બાકી રહેલા તમામ ઉમેદવારો ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવે છે અને હાલમાં બેરોજગાર થઈને બેઠા છે.ત્યારે હાલમાં કોરોના વાઇરસની મહામારી સામે ગુજરાતની જનતા ઝઝૂમી રહી છે. ત્યારે આ વેઇટિંગ લીસ્ટના બાકી ઉમેદવારોને ગુજરાતની જનતાના સુખ અને દુઃખમાં ભાગીદાર થઈ સેવા કરવાનો મોકો આપવો જોઈએ.
ગુજરાત રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું છે કે, હાલમાં ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસ સ્ટાફની ઘટ છે. જેથી NSS અને NCC જવાનોને ફરજ અને સેવાનું કામ સોંપવામાં આવ્યું છે.ત્યારે SRPF ના સિલેક્ટ અને વેઇટિંગ લિસ્ટના 1167 ઉમેદવારોને સત્વરે ફરજની નિમણુંક આપવામાં આવે તેવી માંગ કરી છે.