પાટણ: પાટણના સમાલ પાટી રામની વાડી વિસ્તારમાં રહેતા સંજયભાઇ પટેલ પહેલા પાટણ પંથકમાં પ્રખ્યાત રામની વાડના જામફળ અને અન્ય ધાન્ય પાકોની ખેતી કરતા હતા. પરંતુ બાગાયત વિભાગના સંપર્કમાં આવ્યા બાદ એમને ફૂલોની ખેતીમાં રસ પડ્યો અને છેલ્લા દસ વર્ષથી ફૂલોની ખેતી કરી ઓછી મહેનતે ઓછા ખર્ચે સારી કમાણી કરી રહ્યા છે. તેઓ બેથી ત્રણ વિઘામાં આખું વર્ષ ફૂલોની ખેતી કરી વર્ષે બે લાખથી વધુની આવક સરળતાથી કમાઈ લે છે. ફૂલોની ખેતીમાં મજૂરી ખર્ચ નહિવત છે. વળી નિંદામણની માથાકૂટ હોતી નથી અને છાણિયા ખાતરનો વપરાશ કરવામાં આવે છે. જેના લીધે ઓછી મહેનત, ઓછા ખર્ચે સારામાં સારી આવક મેળવી શકાય છે.
![પાટણના આ ખેડૂતે ફૂલોની ખેતી વડે મેળવી બે લાખથી વધુની આવક, વાંચો કઇ રીતે?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-01-ayoungfarmerfrompatanearnsmorethantwolakhayearfromfloriculture-special-7204891_21092020145219_2109f_01411_973.jpg)
સંજયભાઈ વર્ષમાં ચાર પ્રકારના ફૂલોનું વાવેતર કરે છે. જેમાં 9થી 11 માસ દરમિયાન ગલગોટા, 11થી 4 માસ પીળી ગોટી, સફેદ ડેઇઝી અને 3થી 10 માસ દરમિયાન દાલદી નામના ફૂલોનો પાક લે છે. પાટણ સહિત આજુબાજુના વિસ્તારમાં આખું વર્ષ તેમના ફૂલોથી બજાર ઉભરાતું હોય છે.
![પાટણના આ ખેડૂતે ફૂલોની ખેતી વડે મેળવી બે લાખથી વધુની આવક, વાંચો કઇ રીતે?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-01-ayoungfarmerfrompatanearnsmorethantwolakhayearfromfloriculture-special-7204891_21092020145219_2109f_01411_64.jpg)
સંજયભાઈ જેવા ખેડૂતોને પ્રોત્સાહન અને સરકારી મદદ દ્વારા બાગાયત ખેતી તરફ વાળવામાં બાગાયત વિભાગની મહત્વની ભૂમિકા રહેલી છે. છેલ્લા દસ વર્ષથી ફૂલોની ખેતી કરનાર સંજયભાઈ જેવા કેટલાય પ્રગતિશીલ ખેડૂતો બાગાયત કચેરીના સંપર્કમાં આવ્યા બાદ ખેતીમાંથી આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી માનભેર ખેતી પર જીવનનિર્વાહ કરી આત્મનિર્ભર બન્યા છે. ફક્ત નવમાં ધોરણ સુધી ભણેલા સંજયભાઈને બાગાયત વિભાગ દ્વારા ફૂલોની સહાય પેટે રૂપિયા 12,000 અને પાણીનો હોજ બનાવવા 50,000 સુધીની મર્યાદામાં સબસિડીનો લાભ આપવામાં આવ્યો છે. શરૂઆતમાં પાટણ જિલ્લામાં 49 લાખ હેક્ટરમાં વાવેતર શરૂ થયું હતું ત્યારે સરકારની યોજનાઓને કારણે હાલમાં 109 હેક્ટર જમીનમાં ફૂલોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે અને 972 મેટ્રિક ટન ફૂલોનું ઉત્પાદન થઈ રહ્યું છે.
![પાટણના આ ખેડૂતે ફૂલોની ખેતી વડે મેળવી બે લાખથી વધુની આવક, વાંચો કઇ રીતે?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-01-ayoungfarmerfrompatanearnsmorethantwolakhayearfromfloriculture-special-7204891_21092020145219_2109f_01411_982.jpg)