પાટણ : સમી તાલુકાના બાદરગંજ ગામે યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામજનોએ પીવાના પાણી સહિત રોડ-રસ્તાના કામો અને પ્રાથમિક સુવિધાઓ નહીં મળવાના કારણે ભારે હોબાળો મચાવ્યો હતો. જેને લઇ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને જિલ્લા પંચાયત પ્રમુખ કાર્યક્રમ અધવચ્ચે મૂકી સ્થળ છોડી જતા રહ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
લોકપ્રશ્નનો કાર્યક્રમ ઉગ્ર બન્યો : સમી તાલુકાના બાદરગંજ ગામે સરપંચ દ્વારા લોક પ્રશ્નોને લઈ રાધનપુર ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરની ઉપસ્થિતિમાં સરકારી પ્રાથમિક શાળા ખાતે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ શરૂ થયા બાદ ગ્રામજનોએ પીવાના પાણીની સમસ્યાને લઈ ભારે હોબાળો મચાવતા ઉત્તેજના સાથે હોહા મચી ગઈ હતી. જેને લઇ ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિત વિસ્તારના સદસ્ય અને હોદ્દેદારોએ કાર્યક્રમ અધૂરો મૂકી ચાલતી પકડી હતી.
બાદરગંજ ગામને રૂપિયા 5 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. જેમાંથી હાલ રોડનું કામ ચાલી રહ્યું છે. લોકોના પ્રાણ પ્રશ્નો જાણવા માટે યોજાયેલા કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી કાર્યકરે પાણીનો પ્રશ્ન ઉભો કરી કેટલાક ગામ લોકોને ઉશ્કેરતા સભામાં હોબાળો મચ્યો હતો. -- લવિંગજી ઠાકોર (ધારાસભ્ય, રાધનપુર વિધાનસભા)
ગ્રામજનોની વ્યથા : ગામમાં કેટલાક લોકોએ આ હોબાળા મામલે જણાવ્યું હતું કે, બાદરગંજ ગામમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની ભારે તંગી છે. જેના કારણે ગામ લોકોને હાલાકીઓનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત રોડ-રસ્તાના કામો પણ કરવામાં આવતા નથી. આ ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. બાદરગંજ ગામે સર્જાયેલા આ હોબાળાનો વીડિયો સોશિયલ મીડિયામાં વિવિધ ગ્રુપમાં વાયરલ થતા પાટણ જિલ્લાના રાજકારણમાં હાલ તો ગરમાવો આવ્યો છે.
ધારાસભ્યએ કર્યો ખુલાસો : રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે આ હોબાળા મામલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, બાદરગંજ ગામને રૂપિયા 5 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. જેમાંથી હાલ રોડનું કામ ચાલી રહ્યું છે. સરપંચ અને ડેલિકેટના આમંત્રણને કારણે આ કામનું નિરીક્ષણ કરવા ગયો હતો. ત્યારે લોકોના પ્રાણ પ્રશ્નો જાણવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આમ આદમી પાર્ટી કાર્યકરે પાણીનો પ્રશ્ન ઉભો કરી કેટલાક ગામ લોકોને ઉશ્કેરતા સભામાં હોબાળો મચ્યો હતો. પાણીની સમસ્યા ઉકેલવા મુદ્દે મેં જવાબદાર અધિકારીઓને સૂચના આપી સમસ્યા નિવારવા તાકીદ કરી છે.