- શિક્ષણ જગતમાં પાટણ યુનિવર્સીટની આગવી પહેલ
- યુનિવર્સિટી કેમ્પસમાં 70 લાખ રૂપિયાના ખર્ચે ઓક્સિજન રિફીલિંગ પ્લાન્ટ ઉભો કરવાની કામગીરી શરૂ
- કંપનીના એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરની ટીમે સ્થળ તપાસ કરી
- 15 દિવસમાં પ્લાન્ટ તૈયાર કરવાની એન્જિનિયર તૈયારી બતાવી
પાટણઃ સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરના કારણે સ્થિતિ બગડી ગઈ છે. ત્યારે રાજ્યમાં પણ અનેક હોસ્પિટલ્સમાં ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. તેને ધ્યાનમાં રાખી પાટણમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટ 70 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ તૈયાર થવાથી પાટણ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓને પણ ઓક્સિજન મેળવવામાં મદદ મળશે.
આ પણ વાંચોઃ મોરબી સિરામિક એસોસિએશન દ્વારા 65 ટનની ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો
વડોદરાની ખાનગી કંપનીની ટીમે સાઈટની માપણી કરી હતી
પાટણ જિલ્લામાં પણ કોરોનાની બીજી લહેર ઘાતક બની છે. અહીં દરરોજ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતા તમામ હોસ્પિટલ્સ હાઉસફૂલ થઈ ગઈ છે. ઓક્સિજનની પણ તીવ્ર અછત ઊભી થઈ છે ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ શિક્ષણ જગતમાં આગવી પહેલ કરી છે અને લોકભાગીદારીથી યુનિવર્સિટી કેમ્પસમાં 70 લાખ રૂપિયાના ખર્ચે ઓક્સિજનનો રિફિલિંગ પ્લાન્ટ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ પ્લાન્ટ માટે તાત્કાલિક વડોદરાની ખાનગી કંપનીને પણ વર્ક ઓડર આપી દીધો છે, જેને લઈ કંપનીના એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર્સની ટીમે યુનિવર્સિટી ખાતે આવી સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને સાઈટનો લે-આઉટ પ્લાન બનાવી માપણી કરી હતી.
આ પણ વાંચોઃ પાટણમાં ઑક્સિજન પ્લાન્ટ પર લાંબી લાઈનો લાગી
13 કિલોલિટર સ્ટોરેજની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ થશે કાર્યરત
યુનિવર્સિટી કેમ્પસમાં 25 બાય 30 મીટરની જગ્યામાં 13 કિલોલીટર સ્ટોરેજ ક્ષમતાનો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાશે, જેને લઈ હાલમાં આ પ્લાન્ટ પૂર્ણ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. 15 દિવસની આસપાસ આ પ્લાન્ટ કાર્યરત થશે. યુનિવર્સિટીએ આ પ્રોજેક્ટ માટે 50 લાખ રૂપિયા મંજૂર કર્યા છે અને બાકીના 20 લાખ રૂપિયા સમાજમાંથી દાન પેટે એકત્ર કરવામાં આવશે.