- વનાસણ પાસે તેલ ભરેલું ટેન્કર પલટી માર્યું
- તેલ ભરવા આસપાસના લોકોએ કરી પડાપડી
- 60 લાખની કિંમતનું 39 હજાર લિટર તેલ રોડ ઉપર ઢોળાયું
પાટણ: ગાંધીધામથી સોયાબીન તેલ ભરીને ટેન્કર સિદ્ધપુર આવી રહ્યું હતું. તે દરમિયાન વનાસણ નજીકથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે એકાએક કોઈ કારણોસર આ ટેન્કર પલટી મારી ગયું હતું અને ટેન્કરમાં રહેલું 60 લાખની કિંમતનું 39 હજાર લીટર તેલ રોડ ઉપર ઢોળાયું હતું. જેની જાણ આજુબાજુના ગામ લોકોને થતાં ઘરેથી વાસણો લઈ દોડી આવ્યા હતા અને તેલ ભરવા પડાપડી કરી હતી. કારમી મોંઘવારીને લઇ કેટલાક લોકોએ ટેન્કર ઉપર ચડી ડોલથી તેલના ડબ્બા ભરતાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: વડોદરા નજીક ખાદ્યતેલ લઇને જતું ટેન્કર પલ્ટી, લોકોએ કરી તેલની લૂંટ
તેલનું ટેન્કર ગોકુલ રિફાઇનરી ફેક્ટરીનું છે
તેલનું ટેન્કર સિદ્ધપુરની ગોકુલ રિફાઇનરી ફેક્ટરીનું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને ક્રેનની મદદથી ટેન્કર બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો: પાટણ LCB પોલીસે સાંતલપુર હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપ્યુ